*ગાંધીનગરમાં આવતીકાલથી ઘરે ઘરે પહોંચાડાશે દૂધ શાકભાજી અને કરિયાણુ

 

*ગાંધીનગરમાં આવતીકાલથી ઘરે ઘરે પહોંચાડાશે દૂધ શાકભાજી અને કરિયાણુ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં અને કોરોનાથી એકનું મોત થયા બાદ રાજ્ય સરકારે ગજરાતને લોકડાઉન કરી દીધું છે. તેમજ વડાપ્રધાને પણ ત્રણ અઠવાડિયા સુધી આખો દેશ લોકડાઉન હોવાની જાહેરાત કર્યા બાદ જીવનજરૂરી ચીજવસ્તુઓને લઇને જનતા મુંઝવણમાં મુકાઈ છે. જોકે આ માટે ગાંધીનગરમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવા શહેરના મ્યુનિસિપલ કમિશનરે એક તાકિદની બેઠક બોલાવી હતી. જેમાં નિર્ણય લેવાયો છેકે 26 માર્ચથી ગાંધીનગરમાં એકપણ દુકાન ચાલુ રાખવામાં ન આવે. જીવનજરૂરી વસ્તુઓ જેમકે દૂધ, શાકભાજી અને કરિયાણાની સુવિધા તમામ નાગરીકોને ઘરે-ઘરે જઇને પૂરી પાડવામાં આવશે. આ માટે રિટેઇલર્સ એસોસિએશન સાથે ચર્ચા કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે ગાંધીનગર રિટેઇલર્સ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એસોસિએશનને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, 26મી માર્ચથી એકપણ દુકાન, એકપણ માર્ટ કે મોલ ચાલુ રાખવામાં નહીં આવે. દુકાન બહાર મોબાઇલ નંબર લખવાના રહેશે. લોકો ઘર બહાર ન નીકળે એ માટે 26 માર્ચથી ઘરે-ઘરે જઇને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવશે. આગળથી માલ સ્પલાયની જવાબદારી કોર્પેરેશનને સોંપવામાં આવી છે. સવારે 5થી 8 સુધીમાં દૂધ પહોંચાડવાનું રહેશે. તેમજ જીવન જરૂરી વસ્તુઓ સાથે 4થી 8 જેટલા છોટા હાથી વિવિધ જગ્યાએ ફરશે અને ઘરે ઘરે વસ્તુઓ પહોંચાડશે. સેક્ટર દીઠ 5 લારીને મંજૂરીદરેક સેક્ટર દીઠ એક-એક વેપારીને કોર્પોપેરશન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાકભાજીની લારીવાળાને પણ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. સેક્ટર દીઠ પાંચ લારી ઉભી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ હાલની પરિસ્થિતિને જોઇને જો કોઇ વેપારી દ્વારા ભાવ વધારો કરવામાં આવશે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રિલાયન્સ માર્ટને પણ સોંપાઈ વિશેષ જવાબદારી આ ઉપરાંત શહેરના રિલાયન્સ માર્ટને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં જે પરિવારને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાની રહેશે જેનું પેમેન્ટ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.