કોરોનાને positively લઈએ

શિલ્પા શાહ, ડાયરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
હાલમાં સમગ્ર દુનિયા જ્યારે કોરોના કેહરના આંતકમાં ફસાયેલી છે એવા સમયે આપણને જો કોઈ આ કહેરથી બચાવી શકે તો તે આપણી પોતાની આત્મિક શક્તિ જ છે. જીવનમાં આપણી સાથે શું બને છે એ એટલું મહત્વનું નથી, પરંતુ આપણે તેને કેવી રીતે લઈએ છીએ, તે દુઃખની માત્રા નક્કી કરે છે. એટલે કે “what happens to us is not much important but how we take it is very much important” કોઈપણ બેક્ટેરીયા કે વાઈરસ સામાન્ય રીતે વધુ પડતી ચિંતા, ભય અને તણાવના અંતઃસ્ત્રાવમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે, તેમ જ લાંબુ જીવી શકે છે. જેથી આપણે વાઈરસને એવું અનુકુળ વાતાવરણ ના આપીએ અને બિનજરૂરી ચિંતાઓ, ડર અને તણાવના માહોલથી આપણી જાતને દૂર રાખીયે. કોરોના આતંકને કેહર ન સમજતા, ઈશ્વરની મેહર સમજીએ. કેમ કે વડીલો, શિક્ષકો માતા-પિતાની બાળકોને શીખવાડવાની જુદી-જુદી રીત હોય છે તે જ રીતે ઈશ્વરની પણ તેના બાળકોને શીખવાડવાની એક રીત છે. જે સર્વથી અલગ છે, તે પહેલા પરીક્ષા લે છે અને બાદમાં શીખવે છે. કોરોના પણ ઈશ્વરની આવી એક પરીક્ષા જ છે. જે આપણે સૌએ સંપૂર્ણ પોઝિટિવિટી સાથે પાસ કરવાની છે. કેમ કે સમાજમાં જે રીતે અસ્વચ્છતા, ભોગવૃત્તિ અને અસંયમમાં વધારો થયો છે તે માત્ર સારા ભાષણ આપવાથી દૂર થઇ શકે એમ નથી. પરમાત્માના આદેશો એટલે કે સંયમ અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાનું શીખવાડવા માટે જ ઈશ્વર આવા વાયરસ ઉત્પન્ન કરે છે. આજે કોરોનાના માહોલમાં સમાજ તરફ નજર ફેરવીયે તો સમજાશે કે અભણ અને અણસમજુ વ્યક્તિ પણ સ્વચ્છતાના પાઠ શીખી રહ્યો છે. હાથ ધોવા સેનીટાઈઝર નો ઉપયોગ થઇ રહ્યો છે. વસ્તુ ધોઈને વાપરવી, ગમેત્યાં ન થૂંકવું, સ્પર્શમાં સંયમ અને સમજણ વગેરે વધી રહ્યું છે. વળી સરકાર પણ જાગૃત થઈ ગઈ છે, ગમે ત્યાં થુંકનાર પાસેથી દંડ વસુલ કરી સમાજમાં સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. તમને લાગે છે કે આ બધું કોરોનાની ગેરહાજરીમાં માત્ર લોકોને સ્વચ્છતા અને સંયમના ભાષણ આપી શક્ય બની શકે? આમ જે શીખ ઈશ્વર આપી શકે તે બીજું કોઈ ન આપી શકે, એ રીતે કોરોના કહેરને પરમાત્માની મહેર સમજી ખૂબ પોઝિટિવ લઈએ અને ઈશ્વરની પરીક્ષામાં પાસ થઈ બતાવીએ. જેના માટે four dimensional plan ની જરૂર છે. એટલે કે ચાર રીતે કોરોના પર આપણે એટેક કરી શકીએ એટલે કે કોરોનાથી આપણી જાતનું રક્ષણ કરી શકીએ.
૧) કોરોના સામે લડવા આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીએ. જેના માટે સરગવાનું સેવન, હળદરનો ઉપયોગ વધારી શકાય. તેમ જ તુલસી પણ એન્ટીવાયરલ ઔષધી છે. વીટામીન “સી” નો મોટો સ્ત્રોત ધરાવતા શાકભાજી અને ફળોનું સેવન વધારી immunity system મજબૂત કરી શકાય.
2) દુનિયાની કોઈપણ આધિ, વ્યાધિ કે ઉપાધિ સામે લડવાનો રામબાણ ઇલાજ પોઝિટિવિટી અને નૈતિક હિંમત છે. જેના માટે પૂરતી ઊંઘ, યોગ્ય આહાર-વિહાર, જંકફૂડનો ત્યાગ, પ્રાણાયામ, ધ્યાન-યોગ વગેરે ઉત્તમ સાધન છે. જેમ સેનીટાઈઝર બાહ્ય રક્ષણ આપે છે તેમ પ્રેમ, સહાનુભૂતિ, અન્યને મદદની ભાવના આંતરિક રક્ષણ પૂરું પાડે છે. સદવિચાર આંતરિક સેનીટાઈઝર છે. ક્ષણે ક્ષણે ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણું રક્ષણ કરે અને આપણાથી બનતી મદદ સર્વની કરો. કુદરતી આફતો દ્વારા ઈશ્વર આપણને ઘણું બધું યાદ કરાવે છે, જે નિયમો(સંયમ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય) આપણે ભૂલી ગયા છીએ. જેમ નકારાત્મકતા અને રોગ વાયરલ થાય છે તેમ પોઝિટિવિટી, ઇમ્યુનિટી અને સામર્થ્ય પણ વાયરલ થઈ શકે. સ્વચ્છતા બનાવી રાખીએ, પોઝિટિવિટી વધારીએ અને સતત ઈશ્વર પ્રાર્થના દ્વારા શક્તિ મેળવીએ.
૩) ખાવાની બાબતમાં વિશેષ કાળજી રાખીયે. જંકફૂડનો સદંતર ત્યાગ કરીએ. વધુ શાકભાજી અને ફળો ખાવાની આદત પાડીયે, જે ખાઈએ તે સાફ કરી ખાઈએ. બે થી ત્રણ લીટર પાણી અવશ્ય પીઈએ અને જો શક્ય હોય તો હુંફાળું પાણી પીવાની આદત પાડીયે.
૪) છેલ્લી મહત્વની વાત, પારંપરિક હિન્દુસંસ્કૃતિ અનુસાર નમસ્તે દ્વારા અભિવાદન કરીએ. handsshakes થી બચીયે, વધુ ગીચ સ્થળો પર જવાનું ટાળીએ, ઘરે અલાયદા રૂમમાં રહેવાની આદત પાડીએ, social distancing manage કરીએ અને વધુ પેનિક ન થતા સતત સેનીટાઈઝરનો ઉપયોગ કરતા રહીએ.