વાતો ભલેને મજાકમાં કરી પરંતુ જે ઈરાદાથી કરી જે કટાક્ષથી કરી એના ઘા દિલમાં ઊંડે સુધી ઘર કરી ગયા છે. દર્દ હજી પણ થયા કરે છે જયારે એના બોલાયેલ એક એક શબ્દ કાનોમાં ગુંજ્યા કરે છે ત્યારે…
એક દુખ ઘર કરી ગયું છે લીનાના મનમાં..અફસોસ એને કોણ દૂર કરે ને કેવી રીતે કરશે ?? ઘરમાં કામ કરતી સ્ત્રી આખો દિવસ કામ કરે તો પણ એના કામની કોઈ જ કિંમત નહિ કેમકે એ ફ્રીમાં આખા ઘરનું કામ કરે છે એટલે ને જો કોઈ સ્ત્રી ઘરની બાહર કામ કરવા જાય તો એ સ્ત્રીની ડબલ કિંમત ..પછી ભલે ને એ સ્ત્રી ઘરના કામ પૈસા અપાવી કરાવતી હોય. આવી કેવી માનસિકતા છે આ સમાજની એ જ નથી સમજાતું. આમ જોવું તો લીના સાચી જ છે.
એક સ્ત્રીના સમર્પણનું શું ? એના ત્યાગનું શું ?? કોઈએ આ વિષે વિચાર્યું છે ખરૂ કે એક સ્ત્રીને ઘર વસાવવા માટે કેટલો ત્યાગ આપવો પડે છે તે ?
આખી જિંદગી જે ઘરને દીપાવવા પોતે ધૂપસળીની જેમ સળગી એ જ ઘર એને થોડો સમય જતા પારકું લાગે છે. સસરા, સાસુ ને પતિ ને તો એના આ ત્યાગની કોઈ જ કિમત નથી હોતી. પણ સમય જતા એનો જ પુત્ર ને પુત્રવધૂ પણ એની અવગણના કરશે ! શું એક હાઉસવાઈફની આ વેલ્યુ ???
એકવાર હું રસ્તા પરથી પસાર થઇ રહી હતી..ત્યારે કોઈક ના ઘરમાંથી મેં એક અવાજ સાંભળ્યો..હું એ સાંભળી થોડીવાર ત્યાં જ ઉભી રહી ગઈ…
“મમ્મી, સારૂ થયું તમે મારા ફ્રેન્ડસ લોકો આવ્યા ત્યારે રસોડામાં જ રહ્યા..નહિતર મારે શરમાવા જેવું થાત ! તમારો લૂક, તમારી રહેણીકરણી બધું ગામડાં જેવું છે. જ્યારે મારી ઓળખાણ મોટા મોટા લોકો સાથે. મારા એ મિત્રો શું વિચારે તમને જોઇને ? મારું સ્ટેટ્સ વિખેરાઈ જાય..મમ્મી હવે તમે સમજ્યા લાગો છો બરાબર એટલે જ આ વખતે વગર કહ્યે તમે સમજી ગયા મારા સ્ટેટ્સને ..”
બાપરે…જ્યારે આવું જ એક દીકરો એની જનેતાને કહે ત્યારે, એની એ જનેતાને શું થયું હશે ? કેટલી પીડા એને સહન કરી હશે ? હું આ વિચારી વિચારીને માંડ માંડ ઘરે પહોચી.
આજકાલના છોકરાઓ પોતાના સ્ટેટ્સમાં ને સ્ટેટ્સમાં પોતાના મા-બાપનાં સ્ટેટ્સને ભૂલી ગયા છે. એમને એ યાદ નથી કે જો મારા મા-બાપ સ્વાર્થી બન્યા હોત તો હું આ દુનિયામાં હોત જ નહિ..
આજે મને લીનાના મનની મૂજવણે વિચારતી કરી દીધી છે.
આવી જ વાત વર્ષો પહેલા બની હતી…
ગોદાવરીબા..!
હા, આ વાત ગોદાવરી બાની જ છે. ત્રણ ચોપડી ભણેલી એક વિધવા સ્ત્રીની જ વાત છે.
મોહન ત્રણ વર્ષનો હતો ત્યારે જ મોહનનાં બાપા ભીખાભાઈ સાપ કરડતા જ સ્વર્ગ સિધાવ્યા હતા. ગોદાવારીબા માથે જાણે આભ તૂટી પડ્યું …ઘર સાવ સામાન્ય ને ક્યારેય ઘરની બહાર પણ નીકળેલ નહી એ સ્ત્રી પર જ્યારે આખા ઘરની જવાબદારી આવી પડે એટલે તો પત્યું…
ગોદાવરી બા સાવ ભોળા. એમને તો એ પણ ખબર ન હતી કે, ભીખાભા પાસે કેટલા વિધા જમીન છે ને કેટલા પૈસા બહાર વ્યાજવા ફરે છે…ખબર હોયા વગર કોની પાસે માંગવા જાય ???
સગા ભાગિયાઓએ દગો આપ્યો. આ બાજુ વર ગયો ને આ બાજુ વરનું ઘર, કુટુંબ પણ ગયું..ભાઈ વગર ભાભીનું કોણ ?? બધા સગા ભાઈના જ નીકળ્યા..
ગોદાવરીબા એમના ત્રણ વર્ષના દીકરાને લઈને પિયર ભાઈના ઘરે રહેવા આવી ગયા. બારેક મહિના ભાઈ ભાભીના ઘરે શાંતિથી રહ્યા. પછી ભાઈએ એના ભાગમાંથી બે વીઘા જમીન ને રહેવા એક ઘર આપ્યું.. એટલે એ ખેતરની આવકમાંથી જ ગોદાવરી બા એમનું કરી લેતા.
આખો દિવસ ખેતર મજૂરી કરે ને રાત્રે મોહનને ભણાવે..બાપ વગરનો દીકરો ઓશિયાળો તો ન જ રહેવો જોઈએ..એને પોતે કાળી મજૂરી કરીને મોહનને શહેરમાં ભણવા અર્થે મૂકવામાં આવ્યો. પોતે ભૂખ્યા રહે પણ દર અઠવાડિયે મોહન માટે મોંધો મોંઘો નાસ્તો તો મોકલાવે જ.
પોતે ભણેલા હતા નહી એટલે એમને મોહનને બહાર ભણવા માટે મૂકવો પડ્યો. પોતાના કાળજાના કટકાને આમ દૂર રાખવો કઈ માને ગમે ?? ક્યએક તો મોહન યાદ આવી જતો તો આખી રાત રડ્યા કરતા.
મોહનને સુખડી બહુ ભાવતી. એટલે ગોદાવરીબા ચોખ્ખા ઘીની સુખડી દર અઠવાડિયે શહેર મોકલાવતા.
અંગ્રેજી મીડીયમમાં ભણતો મોહન ધીરે ધીરે અંગ્રેજ બનતો ગયો. માતૃભાષા ભણ્યો જ ન હતો તેથી માતા શું કહેવાય એની વ્યાખ્યા જ ભૂલી ગયો.હવે એ મોટો થઇ ગયો. બારમાં ધોરણ સુધી તો એ હોસ્ટેલમાં જ રહ્યો. વેકેશનમાં પણ એને ઘરે લાવવામાં નહોતો આવતો. વેકેશનમાં એને ત્યાં જ રાખી એક્સ્ટ્રા ક્લાસ કરાવવામાં આવતા હતા. જેથી એ ગરીબી જોઈ ન શકે. ગરીબી અનુભવી ન શકે એટલે.
હવે એ કોલેજમાં આવ્યો. થોડા દિવસ ગામડે રોકાવા આવ્યો. ગોદાવરી બા તો ખુશ ખુશ હતા. વર્ષો પછી એનો દીકરો મોહન ઘરે રહેવા આવ્યો એટલે..
પણ બધું આપને ઈચ્છીએ એવું થોડી થાય છે. મોહન તો એક જ દિવસ રોકાયો ત્યાં તો એના નખરા શરૂ…
છી….મોમ તું મને આવા ગંદા ગ્લાસમાં પાણી આપીશ….તું મને આટલા ઘીમાં બનેલી સુખડી ખવડાવીશ ? તું સાવ ગામડાની ગમાર છે…તું તો મને બીમાર પાડી દઈશ.. આવું બધું ખવડાવી પીવડાવીને..
સાચે જ ગામડાના લોકો અબુધ હોય એ મેં આજે અનુભવ્યું…
ગોદાવરીબા એક શબ્દ ન બોલ્યા ચૂપચાપ બધું સાંભળતા રહ્યા. દીકરાના પ્રેમમાં એટલા આંધળા થઇ ગયા હતાકે, એમને શું સાચું ને શું ખોટું એ ખ્યાલ જ ન આવ્યો.
જેમ મોહનને ગમે એમ રહેવા લાગ્યા.
જેટલા દિવસ મોહન જેટલા દિવસ મોહન રોકાશે તેટલા દિવસ મોહનની ઈચ્છા મુજબ જ જીવન જીવીશ એવી રીતે જીવવા લાગ્યા.
હવે મોહન કોલેજ કરવા પાછો શહેરમાં ગયો…કોલેજ પૂરી થઇ મોહન ભણવામાં પહેલેથી જ હોંશિયાર હતો એટલે એને નોકરી પણ સારી મળી ગઈ ને છોકરી પણ..
લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું..પણ ગોદાવરીબાને જાણ સુધ્ધા પણ ન કરી.એક દિવસ અચાનક મોહન ગામડે આવ્યો. ત્યારે ગોદાવરીબાએ લગ્ન કરવા માટે કહ્યું…
“ મોહન, બે ત્રણ છોકરીઓ તારા મામાએ તારા માટે ધ્યાનમાં રાખી છે, તું કહે તો જોઈ લવ.”
“ વોટ, ““મોમ.., મેં ઓલરેડી મેરેજ કરી લીધા છે. એક વર્ષ થયું..હું તને એ કહેવા જ અહિયાં આવ્યો છું…હું મારા મેરેજમાં તમને બોલાવેત..પણ તમારો પહેરવેશ જોઇને એ લોકો નાં પાડી દે એટલે મેં એ લોકોને એવું કહ્યું છે કે હું અનાથ છું.”
“ ગોદાવરી બાના હાથમાં રહેલ પાણીનો ગ્લાસ ત્યાં જ હાથમાંથી છૂટી જાય છે. ને ધરતી પગ તળેથી ખસી ગઈ હોય એવો અહેસાસ થવા લાગ્યો..આંખે અંધારા આવવા લાગ્યા..”
“મોમ તું ચિંતા ન કર, હું તને મારી સાથે જ રાખીશ..પણ એક શરત…, તારે મને તારો દીકરો નહી કહેવાનો..તમે મારા ઘરે કામ કરવાવાળા બાઈ તરીકે આવજો..આમ પણ નેન્સી પ્રેગનેન્ટ છે, એનાથી કોઈ જ કામ થતું નથી. એટલે એ કામવાળી બાઈ રાખી જ લેશે.”
“દીકરાનું ઘર જોવા મળે, વહુ જોવા મળે અને દીકરાના ઘરે દીકરો આવશે તો એને પણ એ બહાને રમાડવા મળશે એમ વિચારી ગોદાવરી બા તો પોતાના સગા દીકરાના ઘરે કામવાળીબાઈ તરીકે જવા તૈયાર થઇ ગયા.”
મોટી મોટી કાચની બિલ્ડીંગો વચ્ચે એક મોટું આલીશાન ઘર એ ગોદાવરીબાના દીકરા મોહનનું ઘર…લીફ્ટમાં બેસીને પાંચમાં માળે પહોચ્યા…
“મોહન , આ કોણ છે ગંદી ગંદી બાઈ ?”કોઈ નહી, એ આપણી કામવાળી બાઈ છે..જાનુ હવે તારે કામ કરવાનું નથી..આ બાઈને જ કહી દેવાનું એ જ બધું કામ કરશે…અને હા, એ બાઈ માટે કાલે હું નવા કપડા ખરીદી લાવીશ એટલે એ ગંદી નહી લાગે…આ ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો આવા જ હોય ! એમ બોલી મોહને ગોદાવરીબાને એમનો રૂમ દેખાડ્યો ને ચૂપચાપ નેન્સી સાથે બેડરૂમમાં કોફી પીવા લાગ્યો ”
ગોદાવરીબા તો પોતાના દીકરાનું આવું ભવ્ય મકાન ને આટલી સુંદર વહુ જોઇને રાજી રાજી થઇ ગયા…ભલે મને ન રાખે પણ મારો દીકરો તો સુખી છે ને…આમ વિચારી આખા ઘરનું બધું જ કામ હોંશે હોંશે કરવા લાગ્યા..
મોહનના ઘરે પણ દીકરો જન્મ્યો..નેન્સીને ગોદાવરીબા પ્રત્યે પ્રેમ જાગ્યો..એ ગોદાવરીબાને વધારે કામ કરવા ન દેતી..એ વિશ્વને રાખવાનું જ કહેતી…
એકવારનેન્સીએ મોહનને ગોદાવરીબાની હાજરીમાં જ પૂછ્યું કે , “મોહન તારી મમ્મીનો ફોટો તો બતાવ..હશે તો ખરાને ??”
“ના…હું જન્મથી અનાથ છુ..મેં ક્યારેય મારી મોમને નથી જોયા “
“તું સાચું કહે છે ?”
“હા, કેમ તું આજે આવું પૂછે છે ?
“ હજી કહું છું , તું સાચું બોલે છે ??
“ હા, “
“તો આ આપણી કામવાળી કોણ છે ?? “
એની બેગમાંથી મને તારા ફોટાઓ મળ્યા હતા ….તું એક દીકરો થઈને આવું કેમ કરી શકે છે ??
“ મોહન એક શબ્દ ન બોલ્યો ચૂપચાપ બેસી રહ્યો “
“ જે માએ તને એની જાત ખોઈને ભણાવ્યો…આટલો મોટો ઇન્સાન બનાવ્યો..એ જ માને તું એક કામવાળી તરીકે રાખે છે ?? આ તો સારૂ થયું કે મને વહેલા ખ્યાલ આવ્યો એટલે હું એમને એક માની જેમ સાચવવા લાગી..નહિતર તારી જેમ હું પણ પાપી બની જાત..”
“ આજે હું પણ એક દીકરાની મા છું …કાલે મારો જ દીકરો મારી સાથે પણ આવું કરે તો મને કેટલું દુખ થાય ?? તો શું તારી મોમને દુખ નહી થયું હોય ??”
મોહન કશું બોલે એ પહેલા જ ગોદાવરી બા મોહનનું ઘર છોડીને ચાલ્યા ગયા…
ઘણું ગોત્યા મળ્યા જ નહી…..બીજે દિવસે એમની લાશ નદીમાંથી મળી !!!
ગોદાવારીબાનું અસ્તિત્વ દીકરાની ખુશી માટે પાણીમાં ઓગળી ગયું સદાય માટે !!!
||અસ્તુ ||
લેખિકા : તૃપ્તિ ત્રિવેદી