*પાકિસ્તાન ટીમ અમદાવાદ પહોંચી. આજે ભારતની ટીમ આવશે.*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે 14 મી તારીખે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ત્યારે 11 વર્ષ બાદ પાકિસ્તાન ટીમ ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચી હતી. આ મેચને લઈ ખેલપ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બપોરે 3 વાગ્યા આસપાસ પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી હતી અને આશ્રમ રોડ ખાતે હોટેલ હયાતમાં ખેલાડીઓને ઉતારવામાં આવ્યા હતા જ્યાં તેમની એક ઝલક જોવા ક્રિકેટરના ફેન પણ એક નજર જોવા ઉમટ્યા હતા. ટીમની સુરક્ષાને લઈ હોટલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હોટલની અંદર જતા તમામ વાહનોને પૂર્ણ ચેક કરવામાં આવી રહ્યા છે. 14 મી એ રમાનારી મેચને લઈ સુરક્ષાની જવાબદારી સાથે અમદાવાદ પોલીસ અને તમામ એજન્સીઓ સજ્જ બની છે અને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.
તો આજે ભારતીય ક્રિકેટ ટીમ પણ અમદાવાદ આવી પહોંચશે જ્યાં તેમને નર્મદા ITC ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમને ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ પણ કરાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે.