*ભારત-પાક મેચની સુરક્ષાને લઈ ગુજરાત અને અમદાવાદ પોલીસ સંપૂર્ણ તૈયાર છે: ડીજીપી વિકાસ સહાય*
ગાંધીનગર, સંજીવ રાજપૂત: 14 મીએ ભારત પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવવાની છે ત્યારે તમામ સુરક્ષાને લઈ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ડીજીપીના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે 14 મીએ રમાતી મેચને લઈ 5 પિલરમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં સ્ટેડિયમની સુરક્ષા, ટ્રાફિક-પાર્કિંગની સુરક્ષા, ટીમના સભ્યોની સુરક્ષા, પ્રેક્ષકોની સુરક્ષા, અને અસામાજિક તત્વોથી સુરક્ષા જળવાય તેમ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મેચના દિવસે લોકો મેટ્રોનો ઉપયોગ કરે અને મેચનો આનંદ માણે તેવી પણ અપીલ તેઓ દ્વારા કરવામાં આવી છે.
ભારત પાક મેચ દરમ્યાન 6 હજાર કરતા વધારે જવાનો ઉપરાંત અધિકારીઓ ખડેપગે સજ્જ છે જેઓ તમામ સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત ATS, SOG, ક્રાઈમ બ્રાન્ચ પણ કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા કોઈ ઘટના ને અંજામ ન આપવામાં આવે તે માટે સજ્જ કરવામાં આવી છે તો NDRF, NSG પણ સુરક્ષા માટેની જવાબદારી માટે મુકવામાં આવી છે.
ખાસ કરીને રાજ્યભરમાં પાછલી મેચોને જોતા મેચ પૂર્ણ થયા બાદ જે વિજય સરઘસ નીકળવામાં આવે છે તેઓને લઈ તેઓએ જણાવ્યું હતું કે તે નીકાળવું કે ન નિકાળવું તેની જવાબદસરી સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ જ નક્કી કરશે. આ બાબતે તમામ અધિકારીઓ સાથે વિડીયો કોનફરન્સ દ્વારા સૂચના અપાઈ છે. મેચ પુરી થયા બાદ સમગ્ર રાજ્યમાં આજે 8 વાગ્યા પછી તમામ પોલીસને એલર્ટ રાખવામાં આવી છે. બનાવટી ટીકીટ મામલે અત્યાર સુધી 2 કેસ નોંધાઇ ચુક્યા છે એટલે કોઈ લોભામણી જાહેરાત કે ટીકીટ લેવામાં ન રસ દાખવે. ગુજરાત અને અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને દર્શકો આ મેચનો ઉત્સાહપૂર્વક આનંદ માણે તે માટે કટિબદ્ધ છે.