*હવે સરકારી હોસ્પિટલમાં દર્દી અને સગાઓને સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી…*
*આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે “હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન” (HPCIM) હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો*
……………..
*દર્દી અને સગાઓ માટે 24x 7હેલ્પ ડેસ્ક, હોસ્પિટલમાં અવર-જવર માટે ગોલ્ફ કાર, વિવિધ IEC પ્રવૃતિનો શુભારંભ કરાવતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
……………..
*સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને સંભાળ સાથે આરોગ્ય સેવા- સુવિધાઓની સરળ ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉદ્દેશ:- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
……………..
*રાજ્યની ૯૩ આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રોજેક્ટ હાથ ધરાશે- આરોગ્યમંત્રીશ્રી*
…………….
*૬ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, ૮ GMERS મેડિકલ કૉલેજ, ૨૧ જિલ્લા હોસ્પિટલ અને ૫૮ પેટા જિલ્લા હોસ્પિટલ માં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે*
……………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ(HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યું હતુ.
આ મિશન હેઠળ આરોગ્યમંત્રીશ્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ માટે નવનિર્મિત બે હેલ્પ ડેસ્ક અને CSR હેઠળ મળેલ ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી.
દર્દી – કેન્દ્રીત આરોગ્ય સારવાર અને સંભાળની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવા-સુવિધાઓની ઉપલબ્ધતા હોસ્પિટલમા આવતા દર્દી અને તેમના સગાઓને આ હેલ્પ ડેસ્ક અંતર્ગત ૨૪*૭ સરળતા થી ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર અને ઓ.પી.ડી. સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક આ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.
દર્દી અને તેમના સગાઓની હોસ્પિટલમાં અવર-જવર માટે ગોલ્ફ કારનો પણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ ત્રણેય ગોલ્ફકાર એક સેવાભાવી સંસ્થા દ્વારા સી.એસ.આર. અંતર્ગત હોસ્પિટલમાં દર્દીઓના સેવાર્થે આપવામાં આવી છે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ ત્રણેય સેવાઓને ખુલ્લી મુકતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી આરોગ્યસંસ્થાઓમાં ઉપલબ્ધ સેવા અને સુવિધાઓની સરળ ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સગાઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ, સુવિધાઓ અને મહત્વની તમામ માહિતી સરળતા અને સત્વરે ઉપલબ્ધ બને તે માટે હેલ્પ ડેસ્ક તેમજ વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી છે.
પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન ગાંધીનગર થી શરૂ કરાયેલ પાયલટ પ્રોજેક્ટ બાદ રાજ્યની કુલ ૯૩ જેટલી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
રાજ્યની ૬ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, ૮ GMERS મેડિકલ કૉલેજ, ૨૧ જિલ્લા હોસ્પિટલ અને ૫૮ પેટા જિલ્લા હોસ્પિટલ મળીને કુલ 93 જેટલી હોસ્પિટલ અને કૉલેજમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
*