જામનગરમાં ચા-પાનના ધંધા બંધ અંગે તંત્રએ પુનઃ વિચારણા જરૃરી.

જામનગરમાં ચા-પાનના ધંધા બંધ રાખવા માટેના પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અન્વયે પુનઃ વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગત્ રાત્રે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આજથી ચા-પાનની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે જામમનગર ટી સ્ટોલ એસોસિએશનના પ્રમુખ આલાભાઈ રબારીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, તંત્ર દ્વારા લેવામાં આવતા પગલા આવકાર્ય છે. ટી-સ્ટોલ સંચાલકો સતત સહકાર આપી રહ્યાં છે. કાયદા પાલન માટે કોઈ વિરોધ હોય શકે નહીં, પરંતુ જામનગરમાં માત્ર ચા-પાનના ધંધાના કારણે જ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેવું ન હોય શકે, અન્ય બાબતો પણ વાયરસના સંક્રમણ વધવા માટે જવાબદાર હોય શકે.

સુરત, અમદાવાદ, રાજકોટમાં જામનગર કરતા વધુ કેસો નોંધાયા છે, છતાં ત્યાં તંત્રએ ચા-પાન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. પરંતુ પાર્સલ સુવિધા સેવા ત્યાં ચાલુ જ છે. જામનગરમાં પણ આવી સુવિધા માટે વિચારણા કરવી જોઈએ.

આથી સર્જાયેલા પ્રશ્નનું નિરાકરણ આવી શકે. આમ અચાનક લાગુ કરાયેલા પ્રતિબંધ અંગે પુનઃ વિચારણા કરવી જોઈએ.