જય રણછોડ, માખણચોરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનશે..ભક્તિ, ભાઈચારા અને સદભાવના સાથે નીકળશે અમદાવાદમાં 146 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા.
જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે ભક્તિ, સદભાવના અને ભાઈચારાની સાથે ભગવાન જગન્નાથજીની 146 મી ભવ્ય રથયાત્રા નીકળશે અને તેના માટે શું તૈયારીઓ હશે તેની વિગત મંદિરના મહંતશ્રી દિલીપદાસજી બાપુ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝહા દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી.
:અસાઢી બીજનો પવિત્ર દિવસ.. અમદાવાદ જગન્નાથ મંદિરથી જય રણછોડ માખણચોર ના નાદ સાથે 146મી રથયાત્રા ભવ્ય રીતે નિકળનાર છે ત્યારે આ રથયાત્રાની તૈયારીઓને લઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
અમદાવાદ ખાતે જળયાત્રા થી રથયાત્રા સુધીની સફર એટલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા. અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. પુરી બાદ અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રા ભવ્ય માનવામાં આવે છે અને સદભાવના, ભક્તિ, શક્તિ અને ભાઈચારા દ્વારા આ ઉત્સવને મનાવાય છે. આ વખતે પણ 146મી રથયાત્રા ભવ્ય રીતે નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો, 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિનો ઝાંખી કરાવતી ટ્રકો, મો માં આંગળા નાખી જવાય તેવા દિલધડક કરતબ બતાવતા 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને બેન્ડ બાજા ઉપરાંત હરિદ્વાર, અયોઘ્યા, નાસિક, ઉજ્જેન, સૌરાષ્ટ્ર અને જગન્નાથપુરીથી આવનાર 2 હજાર ઉપર સાધુ સંતો ઉપસ્થિત રહેશે અને આશરે 1200 જેટલા ખલાસી ભાઈઓ આ રથોને ખેંચશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી પ્રયાણ કરાવશે તેમજ અન્ય રાજકીય નેતાઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. સવારે મંગળા આરતી થશે અને આદિવાસી નૃત્ય અને ગરબાની તાલે ભક્તોનો કાર્યક્રમ રહેશે.
રથયાત્રાના પ્રસાદની વાત કરીએ તો સમગ્ર રથયાત્રા દરમ્યાન પ્રસાદરૂપે 3 હજાર કિલો મગ, 500 કિલો જાબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ અને 2 લાખ ઉપેરણા પ્રસાદમાં અપાશે.
રથયાત્રા પૂર્વે યોજાનાર કાર્યક્રમની વાત કરીએ તો રવિવારે સવારે 8 કલાકે ભગવાનનો ગર્ભ ગૃહમાં પ્રવેશ અને નેત્રોત્સવ પૂજાવિધિ વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે. સવારે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ થશે જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. 11 વાગે પધારેલ સંતોનું સન્માન કરાશે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે. આ ઉપરાંત સોનાવેશ દર્શન, ગજરાજ દર્શન, ત્રણેય રથોની પૂજાનવિધિ, કોંગ્રેસ કમિટીની મુલાકાત, શાંતિ સમિતિની મુલાકાત, રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી તો તારીખ 20ના રોજ સવારે 4 વાગે ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવશે. ભગવાનને ખીચડીનો ભોગ ધરાવ્યાં બાદ તેમના નેત્ર પરના પાટા ખોલાવમા આવશે અને રંગેચંગે જય રણછોડ માખણચોર ના ભક્તોના નાદ સાથે રથયાત્રાનો આરંભ થશે અને ભગવાન નગરચર્યાએ નીકળશે.
સરસપુર ખાતે મામાના ત્યાંથી જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મામેરા રૂપે ભગવાન જગન્નાથ જી દ્વારા ધારણ કરવામાં આવનાર આભૂષણો, પરિધાન નિજ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમને લોકોના દર્શને મુકાયા હતા અને ભક્તોએ રસ ગરબા અને ઢોલના તાલે ભગવાન જગન્નાથજીના મંદિરે મગ્ન થઈ ઝૂમયા હતા.