ચાલુ માસના ત્રીજા સપ્તાહના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન કેવડીયા કોલોની ખાતે વિવિધ પ્રવાસન પ્રકલ્પોના લોકાર્પણના સંભવતઃ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્ય સચિવશ અનિલ મુકીમે કેવડીયા કોલોનીની લીધેલી મુલાકાત

જંગલ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન, કેકટસ ટ્રેઇલ, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, એકતા મોલ, ચિલ્ડ્રન- ન્યુટ્રીશન પાર્ક, એકતા ગ્લોબ ગાર્ડન વગેરેની મુલાકાત લઇ મુખ્ય સચિવે કરેલી સમીક્ષા
રાજપીપલા,તા. 13
ચાલુ માસના ત્રીજા સપ્તાહના અંતિમ ચરણમાં ગુજરાતની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સૂચિત વિવિધ પ્રવાસન પ્રકલ્પોના લોકાર્પણના સંભવતઃ કાર્યક્રમને અનુલક્ષીને ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે આજે કેવડીયા કોલોની ખાતેના વિવિધ પ્રોજેક્ટસની મુલાકાત લઇ જરૂરી જાણકારી મેળવી સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગના અધિક સચિવ જવલંત ત્રિવેદી, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ પણ મુખ્ય સચિવ સાથે જોડાયાં હતાં.
મુખ્ય સચિવ અનિલ મુકીમે આજે કેવડીયા કોલોની ખાતે બપોર બાદ જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી.375 એકરમાં ફેલાયેલા વિશ્વકક્ષાના સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (કેવડિયા જંગલ સફારી પાર્ક) મા વાઘ, સિંહ, દિપડો તેમજ પક્ષીઘરમા આઇવીશ, સ્ટાર્ક, પોલીકેન, ડકપેન અને ઓસ્ટ્રેલિયાથી અલ્પકા, લામ, ઓરેકસ વગેરેની વિસ્તૃત જાણકારી ડૉ. રાજીવ ગુપ્તાએ પુરી પાડી હતી.
જંગલ સફારી પાર્ક ખાતે માધ્યમો સાથેના સંવાદમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે અત્યંત પ્રભાવિત થતાં જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્ક ખુબ જ ટૂંકા ગાળામાં રેકર્ડ ટાઇમમાં ઉભુ કરાયું છે. સમગ્ર દેશ અને વિશ્વમાં આ જંગલ સફારી પાર્ક વિશ્વ કક્ષાનું બેનમૂન છે અને શિક્ષણ માટે આ જંગલ સફારી પાર્ક મહત્વનું સ્ત્રોત બની રહેવાની સાથે મુલાકાતીઓને મનોરંજન પણ મળી રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.
મુખ્ય સચિવ અનિલ મુકીમે ત્યારબાદ ડાયનાસોર ટ્રેઇલ, સરદાર સરોવર ડેમ, કેકટસ ગાર્ડન, કેકટસ ટ્રેઇલ, બટરફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની પણ મુલાકાત લીધી હતી. એકતા નર્સરીમાં બામ્બુ ક્રાફ્ટ, એરીયા લીફ, યુટેન્સીલ્સ, ઓર્ગેનિક કુંડા, યાંત્રિક રીતે ઓર્ગેનિક થાળી -વાટકી બનાવટ- ઉત્પાદનની પ્રક્રિયાના નિરીક્ષણ ઉપરાંત હાઇડ્રોપોનિક ફાર્મિંગ, હેન્ડીક્રાફ્ટ, મધમાખી ઉછેર, કડકનાથ મરઘા, ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી હતી. ત્યારબાદ મુખ્ય સચિવ મુકીમે એકતા મોલ ખાતે વિવિધ રાજ્યોનાં હાથશાળ બનાવટના કેન્દ્રોની મુલાકાત લઇ વિવિધ ચીજવસ્તુઓ રસપૂર્વક નિહાળી જરૂરી જાણકારી તેમણે મેળવી હતી.
ત્યારબાદ મુખ્ય સચિવ મુકીમે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, વિશ્વ વન વગેરેની પણ મુલાકાત લઇ જરૂરી વિગતોથી તેઓ વાકેફ થયા હતા. મુખ્ય સચિવની આ મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર સંદિપકુમાર, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ શ્યામલ ટીકાદર, આર.ડી. કંબોઝ, ડૉ. કે. શશીકુમાર, ડૉ. રામરતન નાલા, પ્રતિક પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.









રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા