નર્મદાના સખીવન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા
અજાણી મહિલા અને તેની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલન

નર્મદાના સખીવન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા
અજાણી મહિલા અને તેની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલન

તેના પુન :સ્થાપનમાં સહભાગી બનતું નર્મદા જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર

આજદિન સુધી ૧૫૦ જેટલી કિશોરીઓ/મહિલાઓને વ્હારે આવીને તેમનું પુન: સ્થાપન કરાયું


તેમના વતન અથવા જેમના કોઇ વાલી વારસ ન હોઇ તેમને નારી ગૃહ અને સ્વધાર ગૃહમાં મોકલીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો સેવાયજ્ઞ જારી
સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે ૨૪ કલાક સેવામાં કાર્યરત

રાજપીપલા,તા 27

ભારત સરકારનાં પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગ થકી નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરીના માર્ગદર્શન હેઠળ કોઇપણ હિંસાનો ભોગ બનેલ મહિલાને તાત્કાલિક તબીબી, કાયદાકીય મનોવૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એક જ છત્ર હેઠળ મળી રહે તે માટે રાજપીપલામાં પ્રાંત કચેરીની પાછળ લાલ ટાવર પાસે સખી વન સ્ટોપ સેન્ટર નિ:શુલ્ક કાર્યરત છે. જેમાં મહિલાઓને વય,વર્ગ-જાતિને ધ્યાનમાં લીધા વગર સમસ્યાથી પીડિત બહેનોને કાયદાકીય માર્ગદર્શન,કાઉન્સેલિંગ,તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય,પોલીસ સહાય જેવી મુખ્ય પાંચ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયે પણ સખી વન સ્ટોપ સેન્ટર સતત ૨૪ કલાક મહિલાઓની સેવામાં કાર્યરત છે. આજદિન સુધી ૧૫૦ જેટલી કિશોરીઓ/મહિલાઓને વ્હારે આવીને તેમનું પુન: સ્થાપન, તેમના વતન અથવા જેમના કોઇ વાલી વારસ ન હોય તેમને નારી ગૃહ અને સ્વધાર ગૃહમાં મોકલીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ આ સેવાયજ્ઞમાં સહભાગી બની છે.

વાત કંઇક એમ છે કે, તા ૧૮ મી માર્ચ, ૨૦૨૧ નાં રોજ “સખી” વન સ્ટોપ સેન્ટરમાં અભયમ્ દ્રારા એક અજાણી મહિલા મળી આવતાં તેમજ આ મહિલાને રહેવાની વ્યવસ્થા અને ઘરનું સરનામુ ન મળતા અભયમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લાવવામાં આવી હતી અને તે અજાણી મહિલા સાથે પાંચ વર્ષની પુત્રી પણ હતી. અજાણી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, તે મહિલા ગુજરાતી ભાષા સમજતા ન હતાં. બોલી અને પહેરવેશથી મહિલા પંજાબ રાજયનાં હોય તેમ લાગતાં, સેન્ટર દ્રારા દુરભાષી વ્યક્તિને બોલાવી આ બહેનનું કાઉન્સેલિંગ કરાવતાં, આ બહેન પોતાનું સરનામું યોગ્ય રીતે કહી શકતા ના હતાં. કાઉન્સેલિંગ દરમિયાન આ બહેને કહેલા ગામમાં સેન્ટર દ્રારા તપાસ કરાવવામાં આવી હતી અને તેમાં આ બહેન પંજાબ રાજયનાં સંગુર જિલ્લાનાં કાલાબંજારા ગામના રહીશ હોવાનું જાણવા મળ્યું ,જેથી પંજાબ રાજયનાં સંગ્રુરના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી સાથે સંકલન કરીને આ મહિલાનું આધાર કાર્ડ અને સદસ્યો સાથેના ફોટાઓ અત્રેના સેન્ટરમાં મંગાવવામાં આવ્યાં હતાં.

નર્મદા સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા મહિલાના ગામનાં સરપંચનો સંપર્ક સાધીને મહિલાને તેમના સાસરી પક્ષ સાથે ટેલીફોનીક અને વિડીયો કોલ દ્રારા પણ વાત કરાવેલ હતી. મહિલાના ઘરનું સરનામું મળતા “સખી” વન સ્ટોપ સેન્ટર-નર્મદાનાં કર્મચારી અને પોલીસના સહયોગ થકી તેમના વતન પંજાબમાં તેમનું પુન:સ્થાપન કરાવવામાં આવ્યું છે. આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં એક મહિના જેટલો આશ્રય આપવામાં આવ્યો હતો.અને મહિલાને નર્મદા સ્વધાર ગૃહમાં પણ સખી વન સ્ટોપ સેન્ટરમાં થોડા દિવસ આશ્રય અપાયો હતો. આમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી અને દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઇ વસાવા તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, પોલીસ સહાય થકી પીડિત મહિલા અને તેમની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં સખી વન સ્ટોપ સેન્ટર સહભાગી બન્યું છે,

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા