મુન્દ્રા પાસે એલસીબીએ ખનીજ ચોરી મામલે 4 ટ્રેકટર તેમજ પધ્ધર પોલીસે 3 ડંપર ઝડપી પાડ્યા
કચ્છમાં બેરોકટોક ચાલી રહેલી ખનીજ ચોરી અંગે વ્યાપક ફરિયાદ ઉઠતી રહે છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના બદલે ખનીજ ચોરી સામે પશ્ચિમ કચ્છના ભૂજ અને મુન્દ્રા તાલુકામાં પોલીસ દ્વારા બે સ્થળે ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં પધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઘાનેટી રત્નાલ વચ્ચેની સિમમાં બોક્સઈટ જેવી ખનીજ ભરેલા ત્રણ ડંપર સાથે તેના ત્રણ ચાલકની અટકાયત કરી ખાણ ખનીજ વિભાગને યાદી મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પધ્ધર પોલીસના પીએસઆઇ વિબી ઝાલા અને સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ એલ. સી. બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ. એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી. બી. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ ગોયલ અને પ્રદ્યુમનસિંહ ગોહીલ દ્વારા મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હરીનગર પાછળ આવેલ ભુખી નદીના પટમાં અમુક ઇસમો ગે. કા. રીતે રેતી (ખનીજ) ચોરી કરતા હોઈ, તેમની ચાર ટ્રેકટર ટ્રોલી સહીત અટકાયત કરવામાં આવી હતી. મજકુર ઇસમો પાસે સદરહુ જગ્યાએ રેતી ભરવા અંગે પાસ પરવાના કે રોયલ્ટીની માંગણી કરતા પોતાની પાસે આવા કોઇ પાસ પરવાનો કે આધાર પુરાવા નહી હોવાની હકિકત જણાવેલ. જેથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે રેતી (ખનીજ)ની ચોરી કરેલ હોવાથી આગળની કાર્યવાહી માટે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. સાથેજ ખાણ ખનીજ વિભાગને સર્વે માટે જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.