જાપાનમાં ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા સંયુક્ત કવાયત યોજાશે

જીએનએ અમદાવાદ:ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ સહકારને પ્રોત્સાહન આપવા માટે, બંને દેશોએ સંયુક્ત એર કવાયત ‘વીર ગાર્ડીઅન-2023’નું આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ કવાયતમાં ભારતીય વાયુ સેના (IAF) અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) ભાગ લેશે જેનું આયોજન 12 જાન્યુઆરી 2023થી 26 જાન્યુઆરી 2023 સુધી જાપાનમાં હ્યાકુરી એરબેઝ ખાતે કરવામાં આવશે. આ એર કવાયતમાં ભાગ લઇ રહેલી ભારતીય ટૂકડીમાં ચાર Su-30 MKI, બે C-17 અને એક IL-78 એરક્રાફ્ટ સામેલ હશે, જ્યારે JASDF ચાર F-2 અને ચાર F-15 એરક્રાફ્ટ સાથે ભાગ લેશે.

08 સપ્ટેમ્બર 2022 ના રોજ જાપાનના ટોક્યોમાં યોજાયેલી બીજી 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક દરમિયાન, ભારત અને જાપાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને આગળ ધપાવવા માટે અને પ્રથમ સંયુક્ત ફાઇટર જેટ ડ્રીલનું આયોજન કરવા સહિત વધુ સૈન્ય કવાયતોમાં જોડાવા માટે સંમત થયા હતા, જે બંને પક્ષો વચ્ચે સુરક્ષા સહયોગમાં થઇ રહેલી વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. આમ, આ કવાયત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને ઘનિષ્ઠ સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક બીજું પગલું હશે.

 

કવાયતના ઉદ્ઘાટન વખતે બંને દેશોની વાયુ સેના વચ્ચે વિવિધ હવાઇ યુદ્ધ કવાયતને સમાવી લેવામાં આવશે. તેઓ જટિલ વાતાવરણમાં મલ્ટિ-ડોમેન એર કોમ્બેટ મિશન હાથ ધરશે અને એકબીજા સાથે શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કરશે. બંને પક્ષો તરફથી નિષ્ણાતો દ્વારા પરિચાલન સંબંધિત વિવિધ પાસાઓ પર તેમના કૌશલ્યનું આદાનપ્રદાન કરવા માટે ચર્ચા પણ કરાશે. ‘વીર ગાર્ડીઅન’ કવાયત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રી સંબંધને વધુ મજબૂત બનાવશે અને બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે સંરક્ષણ સહયોગના માર્ગોમાં વધારો કરશે.