ગોંડલના ગુંદાસરામાં યુવાનની ગળું કાપી હત્યા: સ્ત્રીપાત્ર કારણભૂત

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે મૂળ યુપીના વતની અને હાલ ગુંદાસરામાં રહી શાપરમાં નોકરી કરનાર યુવાનની કોઇ અજાણ્યા શખસોએ ગળા અને ખભાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.બનાવની જાણ થતા પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.યુવાનના ભાઇની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાના ગુનો નોંધ્યો છે.યુવાનના હત્યારાના ઝડપી લેવા અને હત્યાનું કારણ જાણવા સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચે તપાસ ચલાવી રહી છે.દરમિયાન યુવાનની હત્યા અંગે પોલીસને મહત્વની કડી મળી ચૂકી છે.આરોપી પણ હાથવેંતમાં હોવાનું માલુમ પડયું છે.યુવાનની હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું માલુમ પડયું છે.

 

 

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે ગોંડલના ગુંદાસરા ગામમાં ધર્મભકિત સોસાયટી પાસે અજાણ્યા યુવાનની ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસે તાકીદે બનાવસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.હત્યાના આ બનાવને પગલે રાજકોટ એલસીબીની ટીમે પણ તપાસ હાથ ધરી હતી.

 

 

હત્યાના આ બનાવની વધુમાં જાણવામળતી વિગતો મુજબ, હત્યાનો ભોગ બનનાર યુવાનનું નામ મુના રામપ્રવેશ યાદવ(ઉ.વ ૨૬) હોવાનું યુવાન ત્રણ ભાઇ અને બે બહેનના પરિવારમાં મોટો હતો.તેને સંતાનમાં પાંચ વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.મૂળ યુપીના દેવરીયા જિલ્લાનો વતની યુવાન હાલ ગુંદાસરા ગામે રહી શાપર વેરાવળમાં કારખાનામાં નોકરી કરતો હતો.યુવાનની લાશ મળી આવ્યા બાદ આ અંગે તેના પરિવારજનોને જાણ કરાવામાં આવી હતી.

 

બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ ગઇકાલે ગુંદાસરાની ધર્મભકિત સોસાયટી પાસે અતી દુર્ગંધ આવતી દરમિયાન અહીંથી પસાર થનાર કોઇ વ્યકિતનું ધ્યાન જતા તેમણે પોલીસને જાણ કરી હતી.પોલીસે બનાવસ્થળે આવી જોતા યુવાનને ગળાનાભાગે તથા ખભાનાભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી છે.

બનાવ અંગે યુવાનના ભાઇ મનુ રામપ્રવેશ યાદવ (ઉ.વ ૨૧) ની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

​​​​​​​

બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.એચ.ઝાલા તથા રાઇટર મુકેશભાઇ અને સ્ટાફ તથા રાજકોટ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતકના પરિવારજનો અને મૃતક જયા કામ કરતો હતો.ત્યા પુછતાછ કરતા મહત્વની કડી મળી હતી.યુવાનની હત્યા કરનાર પણ યુપીના વતની હોવાનું અને યુવાનની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું માલુમ પડયું હતું.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુવાનના હત્યારાઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.