પક્ષપલટો ફળ્યો ! કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાત જીત્યા, બે હાર્યા.

અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વીરમગામમાં હાર્દિક પટેલ, જસદણમાં કુંવરજી બાવળિયા, તાલાળામાં ભગાભાઈ બારડ, ગોધરામાં સી.કે.રાઉલજી, કપરાડામાં જીતુ ચૌધરીની જીત: વિસાવદરમાં હર્ષદ રિબડીયા ‘આપ’ સામે પરાસ્ત

મહાપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલતી જ હોય છે. 2022ની ચૂંટણી જાહેર થયા પહેલાં અને જાહેર થયા પછી પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હતો અને અનેક નેતાઓએ પાટલી બદલાવી બીજા પક્ષમાં એન્ટ્રી મેળવી હતી.

દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી જવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં આ વખતે ભળેલા તેમજ મુળ કોંગ્રેસી એવા નેતાઓને ભાજપે આ વખતે ટિકિટ પણ આપી હતી જેમાંથી સાત બેઠક એવી છે જ્યાં પક્ષપલટો કરીને ભાજપમાં ભળેલા નેતાઓ જીત્યા છે તો બે બેઠક પર પક્ષપલટુનો પરાજય થવા પામ્યો છે.

સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અબડાસા બેઠક પર મુળ કોંગ્રેસી એવા પ્રદ્યુમનસિંહ જાડેજા આ વખતે ભાજપની ટિકિટ પરથી મેદાને ઉતર્યા હતા. પ્રારંભીક મત ગણતરીમાં પ્રદ્યુમનસિંહ જાડેજા સતત પાછળ ચાલી રહ્યા હતા પરંતુ અચાનક જ તેમણે હરિફ ઉમેદવારોની સાઈડ કાપી લઈ સતત લીડ મેળવવાનું શરૂ કર્યું હતું જે છેવટ સુધી યથાવત રહેતાં આખરે અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ હતી. આવી જ રીતે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાને ઉતરેલા અલ્પેશ ઠાકોર, વીરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આ વખતની ચૂંટણીમાં જીતી ચૂક્યા છે.

આ ઉપરાંત મુળ કોંગ્રેસી એવા કુંવરજી બાવળિયા ફરીવાર ભાજપની ટિકિટ પરથી જસદણમાં જીતી ચૂક્યા છે તો આ વખતની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળેલા ભગાભાઈ બારડ ફરી તાલાલાથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેમણે જીત મેળવી છે. જ્યારે ગોધરા બેઠક પર પક્ષપલટો કરી ભાજપમાં ભળેલા સી.કે.રાઉલજીએ જીત મેળવી છે તો કપરાડા બેઠક પરથી મુળ કોંગ્રેસી એવા જીતુ ચૌધરી પણ જીતની નજીક પહોંચી ગયા છે.

જો કે સૌરાષ્ટ્રના બે ઉમેદવારોને પક્ષપલ્ટો નડ્યો હોય તેવી રીતે તેમનો પરાજય થયો છે જેમાં વિસાવદર બેઠક પર હર્ષદ રીબડીયાએ કરેલો પક્ષપલટો લોકોને માફક આવ્યો ન હોય તેવી રીતે અહીં આમ આદમી પાર્ટીએ જીત મેળવી લીધી છે.