મેટોડામાં રાંધણગેસમાં આગ ભભૂકતા પાંચ દાઝયા: બે ગંભીર
બીડી સળગાવતા જ અચાનક આગ લાગી: યુપીના વતની પાંચ યુવક આગની લપેટમાં આવ્યા: સારવારમાં રાજકોટ ખસેડાયા
રાજકોટ નજીક કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.૧ પાસે આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની પાંચ યુવક આજે વહેલી સવારે ઘરમાં રાંધણગેસમાં આગ ભભૂકી ઉઠતા આગની લપેટમાં આવી ગયા હતા. દાઝેલા પાંચેય લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સવારે બીડી સળગાવતા સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું બહાર આવ્યું છે.
મેટોડામાં કંપનીમાં નોકરી કરતા અને નજીકમાં વસાહતમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની પાંચ યુવક કમલેશ રાજુ શ્યામ (ઉ.વ.૨૦), રાહુલ વિનય બહાદુર (ઉ.વ.૧૮), રોહિત હરિશંકર શેખાવત (ઉ.વ.૨૦), યંગબહાદુર શ્રીશ્યામલાલ (ઉ.વ.૪૦), ઉમાશંકર રામલાલ (ઉ.વ.૨૫) આગની લપેટમાં આવી ગયા હતા જેમાં બેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જાણવા મળ્યા મુજબ ૧૫ દિવસ પૂર્વે આ યુવકો મેટોડામાં ૪૦ ઓરડી તરીકે ઓળખાતી શ્રીનાથજી સોસાયટી વસાહતમાં રહેવા આવ્યા હતા.
ઓરડીમાં પાંચેય યુવકો રહેતા હતા. આજે સવારે એક યુવકે જાગીને બીડી સળગાવતા ઓરડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અન્ય ચાર યુવકો પણ આગની લપેટમાં આવી ગયા હતા. રાત્રી દરમિયાન ઓરડીમાં રહેલા રાંધણગેસના સિલિન્ડરનો નોબ ખુલ્લો રહી ગયો હોય અથવા તો ગેસ લિક થતો હોઈ શકે અને આજે સવારે અચાનક બીડી સળગાવતા જ આ ગેસ ધડાકા સાથે સળગી ઉઠયો હતો.
બનાવના પગલે નજીકની ઓરડીમાં રહેતા અન્ય વસાહતીઓ પણ દોડી આવ્યા હતા. તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી અને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે યુવકને વધુ ઈજા થઈ હોવાનું અને હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં લોધીકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.