ઓલપાડ તાલુકાનાં મૃદુભાષી કર્તવ્યનિષ્ઠ શિક્ષક ઉમેદભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
શિક્ષક તરીકેનાં પવિત્ર વ્યવસાયની અવધિ સરકારી નિયમોનુસાર વયમર્યાદાને કારણે પૂર્ણ થતાં શિક્ષકનાં શાળા પરિવાર તથા વાલીજનો સાથેનાં આત્મીય સંબંધો પરસ્પર દુઃખદ લાગણી અનુભવતા હોય છે. શિક્ષણની કેડી પર પગરણ માંડી આજપર્યંત સતત પ્રવૃત્તિમય અને જાતજાતની જવાબદારીઓનાં મેઘધનુષી રંગોથી સભર વ્યક્તિત્વ ધરાવતાં સુરતનાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સમૂહ વસાહત પ્રાથમિક શાળા (કુડસદ) નાં આચાર્ય ઉમેદભાઈ લક્ષ્મણભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિદાય સમારંભમાં તાલુકા સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા સંઘનાં હોદ્દેદારો, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ટીચર્સ સોસાયટીનાં સેક્રેટરી મહેશ પટેલ, કેન્દ્વાચાર્ય દિનેશ પટેલ, કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર આકાશ પટેલ ઉપરાંત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. શાળાનાં ઉપશિક્ષિકા સુમિત્રા પટેલે ઉપસ્થિત મહેમાનોને શાબ્દિક સ્વાગત દ્વારા આવકારવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે સમારંભનાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉમેદભાઈએ શિક્ષણનાં જીવ તરીકે વિદ્યાર્થીઓ માટે નિર્માણ કરેલ ભાથુ હંમેશા અકબંધ રહેશે. સમગ્ર તાલુકાનાં શિક્ષણ પરિવાર સાથેની તેમની પારિવારિક ભાવના આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણની સાથોસાથ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સંગઠનમાં તેમનું યોગદાન ભૂલી શકાય એમ નથી. નવનિયુક્ત કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તેમનાં તંદુરસ્ત દીર્ઘાયુ જીવન માટે પ્રભુ પ્રાર્થના કરી હતી.
આ ભાવભીનાં વિદાય પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે તેમને પુષ્પગુચ્છ, સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી નવાજવામાં આવ્યા હતાં. આ તબક્કે ઉમેદભાઈ પોતાનો પ્રતિભાવ આપતા ભાવવિભોર બન્યા હતાં.
બાળકો, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનોની ભીડ વચ્ચે શાળાનાં બાળકોએ વિદાયગીત ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અંતમાં આભારવિધિ કુડસદ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક છાકાભાઈ ચૌધરીએ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કીમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક અશોક પટેલે કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.