ફ્લેમિંગો બ્રીડીંગ સાઈટ – કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ
૦૦૦૦૦
જુલાઈ માસ વર્ષ-૨૦૨૨માં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની આવક સારી થવાથી મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન
લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ જ્યારે નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવાય છે
૦૦૦૦૦
બીજા ફ્લેમિંગો- પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરેનું આગમન
ભુજ,ગુરૂવાર;
પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ છે
કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-૨૦૧૯ ના ચોમાસા દરમ્યાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે.
વન કર્મચારીઓના લાંબાગાળાના ઉપરોક્ત નિરીક્ષણ અને અભ્યાસના આધારે વર્ષ-૨૦૨૦-૨૧ દરમ્યાન જુની બ્રીડીંગ સાઈટથી નજીકના વિસ્તારમાં આર્ટીફીસીયલ બ્રીડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા. જેનું માપ ૨૦૦ મીટર x ૧૦ મીટર x ૧ મીટર જેટલું રાખેલ. તેમજ વચ્ચેથી પાણીના નિકાલ માટે ૧૦૦ મીટરના અંતરે ૧૦ મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ-૦૫ (પાંચ) જેટલા પ્લેટફોર્મ મીટીગેશન પ્લાન અંતર્ગત બનાવવામાં આવેલ હતા.
વર્ષ-૨૦૨૧ના ચોમાસા દરમ્યાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૂઆત થયેલ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતા ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા.
વર્ષ-૨૦૨૨ના જુલાઈ માસમાં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણના સમગ્ર મોટા રણ વિસ્તારમાં પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલ હતું. જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયેલ છે. અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલ ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સ્થાપવામાં આવેલ છે અને ઈંડા મુકવામાં આવેલ છે. તેમજ ઓગષ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા તૈયાર થઇ ગયેલ છે.
ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સપ્ટેમ્બર માસ દરમ્યાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતો બની રહી છે અને હજી બીજા ફ્લેમિંગો, પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરે જેવા જળચર પક્ષીઓનું આગમન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ રહ્યું છે એમ પૂર્વ વન વિભાગ કચ્છના નાયબ વન સંરક્ષકશ્રી ગોવિંદસિંહજી સરવૈયા જણાવે છે.
હેમલતા પારેખ .