ભુજપર આંગણવાડી કેન્દ્રોમાં પોષણમાસની ઉજવણી કરવામાં આવી
ફાસ્ટફૂડ તથા તૈયાર મળતા ફૂડ પેકેટનું સેવન ન કરવા પર ભાર મુકવામાં આવ્યો
૦૦૦
સમતોલ આહારને ભોજનમાં સ્થાન આપવા ભલામણ
શ્રેષ્ઠ પોષ્ટિક વાનગી બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા.
ભુજ,ગુરુવાર
કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત મુન્દ્રા તાલુકાની મોટી ભુજપરની સાત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે સારસ્વતમ સંસ્થા સંચાલિત મુન્દ્રા આઈ. સી.ડી.એસ. ઘટકની મોટી ભુજપરની આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ પોષણ મેળામાં કચ્છ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણે પોષણ માસના ઉદેશ્યો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં કુપોષણને સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા માનવામાં આવે છે, કારણ કે ભારતમાં કુપોષણનું દર અન્ય દેશોની તુલનાએ વધુ છે, આ દરમાં ઘટાડો કરવા સરકાર દર વર્ષે પોષણ માસની ઉજવણી કરે છે. પોષણ માસના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપવા સાથે આઈ.સી.ડી.એસ.ની તમામ યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી.
પોષણ મેળાની શરૂઆતમાં કિશોરીઓ, વર્કર-હેલ્પર બહેનો દ્વારા રેલી કાઢી લોક જાગૃતિ અર્થે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સી.ડી.પી.ઓ. આશાબેન ગોરએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને ફાસ્ટફૂડ તથા તૈયાર મળતા ફૂડ પેકેટનું સેવન ન કરવા પર ભાર મુક્યો હતો. જ્યારે ભુજ ઘટકના સી.ડી.પી.ઓ. જાગૃતિબેન જોશીએ પોષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે દાળ, કઠોળ, લીલા શાકભાજી જેવા સમતોલ આહારને ભોજનમાં સ્થાન આપવું જોઈએ સાથે આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા પુરક પોષણમાંથી મળતા પોષક તત્વો અંગે વિસ્તૃત જાણકારી આપેલ હતી.
પોષણ મેળામાં વર્કરો તથા બહેનો દ્વારા અલગ અલગ પોષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા તેમાંથી મળતા પોષક તત્વો અંગે વિગતવાર સમજ આપવામાં આવેલ હતી. શ્રેષ્ઠ પોષ્ટિક વાનગી બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પોષણ મેળામાં ગ્રામ પંચાયતના સદસ્યા ચંદ્રિકાબેન મોતા સહિત કિશોરીઓ, મહિલાઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભુજપરની સાત કેન્દ્રોની આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવી હતી……..
હેમલતા પારેખ .