અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV નિલેશ કોઠારીનું રાજકોટ પાસે માર્ગ અકસ્માતમાં નિધન.

અમદાવાદ: રાજકોટ પાસેના ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રવિવારે સાંજે 5.52 વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા પાનની દુકાન પાસે ઉભેલા અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV (આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર મોટર વહીકલ)નું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પુરઝડપે અને બેફામ બનીને આવેલા ટ્રકે 3 કાર સહિત પાંચ વાહનોને અડફેટે લેતા દુર્ઘટના બની જેમાં નિલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ક્લીનરને ઝડપી લીધો હતો. રાજકોટ શહેર આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા હતા.રસ્તામાં ત્રંબા કસ્તુર બા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા ગયા હતા. પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા આ ઘટનાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જતા ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.