અમદાવાદ જિલ્લામાં ફટાકડાની ફેકટરીમાં NGO અને પત્રકારનાં નામે રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. હાથીજણનાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફટાકડાની ફેકટરીનાં માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તોડબાજ ગેંગની ધરપકડ કરી છે.પોલીસ ગીરફ્તમાં ઉભેલા આ આરોપીઓ તોડબાજ ગેંગના સભ્યો છે કે જેવો પોતાની ઓળખ પત્રકાર અને NGOનાં નામે આપી ફેકટરી માલિક પાસે લાખો રૂપિયા ખંખેર્યા હતા. પોલીસને મળેલી હકીકતની વાત કરીએ તો અમદાવાદની ન્યુ જય અંબે ફટાકડાની ફેકટરીમાં જઇ મીડિયાવાળા તથા હ્યુમન રાઇટસ વાળા હોવાની ઓળખાણ આપી હતી અને તમારી ફેકટરીમાં બાળ મજૂરો રાખેલ છે. તેમજ ફેકટરીમાં પરવાના કરતા વધારે ફટાકડાનો સ્ટોક રાખેલા છે તેમ કહી ફેક્ટરીનો વીડિયો બનાવ્યો હતો. જે વિડીયો મીડિયામાં આપી લાયસન્સ રદ કરાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ માલિકને બ્લેકમેઇલ કરી એક લાખ વીસ હજાર રૂપિયા પડાવ્યા હતા. ફરજી પત્રકાર અને NGOની આ ગેંગમાં સુરેશગીરી ગૌસ્વામી, પ્રેરક ત્રીવેદી, દેવેન્દ્ર કોટવાલ અને વિજયકુમાર વર્મા સામેલ છે, કે જેમણે પોતાના નામના NGO તેમજ ફરજી ન્યૂઝ ચેનલનાં નામના આઇકાર્ડ પણ બનાવ્યા હતા. આ તોડબાજ ગેંગ ફેકટરી માલિક પાસે પહોંચી અલગ અલગ મુદ્દાઓ પર બ્લેકમેઈલ કરી તોડ કર્યો હતો. ફટાકડા ફેકટરીનાં માલિકની ફરિયાદને આધારે પોલીસે તોડબાજ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે સાથેજ ફેકટરી મલિક પાસેથી પડાવેલા 1.20 લાખ રૂપિયા અને 3 મોબાઈલ મળી કુલ 1.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જોકે આ ગેંગનાં સભ્યોમાંથી સુરેશગીરી અગાઉ પણ આવા જ કિસ્સામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલતો વિવેકાનંદનગર પોલીસે તોડબાજ ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ દ્વારા ફટાકડા ફેકટરી ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ પર આ પ્રમાણે બ્લેકમેઈલ કરી કોઈ તોડ કર્યો છે કે નહિ તેમજ આ ગેંગમાં અન્ય કોઈ સામે છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..!