અમદાવાદ ખાતે NCC દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉન દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

 

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ના કાઉન્ટડાઉન દિવસના કાર્યક્રમની ઉજવણી 19 મે 2022ના રોજ અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે કરવામાં આવી હતી. ગુજરાત NCC નિદેશાલયના અધિકારીઓ અને નાગરિક સ્ટાફ તેમજ NCC ગ્રૂપ હેડક્વાર્ટર અમદાવાદે સામાન્ય યોગ પ્રોટોકોલનું પાલન કરીને આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

સંરક્ષણ મંત્રાલયે હવે 19 મે અને 30 મે 2022ના રોજ કાઉન્ટડાઉન દિવસ કાર્યક્રમ અને 21 જૂન 2022ના રોજ ફાઇનલ ઇવેન્ટની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે, તદઅનુસાર સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતા તમામ સંગઠનો એટલે કે ત્રણેય સંરક્ષણ સેવાઓ, તમામ ISO, સ્વાયત્ત સંસ્થાઓ, સમગ્ર દેશમાં પેટા સંસ્થાઓ/સંલગ્ન ઓફિસોને તેમના સંબંધિત હેડક્વાર્ટરમાં સામાન્ય યોગ પ્રોટોકોલ ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉન દિવસ કાર્યક્રમનું આયોજન NCC નિદેશાલય અધિકારક્ષેત્રના તમામ 05 ગ્રૂપ હેડક્વાર્ટર અને 43 NCC યુનિટ ખાતે કરવામાં આવ્યું હતું.

આ ઇવેન્ટમાં તમામ અધિકારીઓ અને નાગરિક સ્ટાફે સક્રીયપણે ભાગ લીધો હતો.

પ્રારંભ તરીકે, ગુજરાત NCC નિદેશાલયે પ્રિ-ઇવેન્ટ તાલીમના ભાગરૂપે NCC અધિકારીઓ અને સ્ટાફ માટે તેમના એક્શન પ્લાન પર કામ કર્યું હતું, આયુષ મંત્રાલયના યોગ પોર્ટલ પર ઉપલબ્ધ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ વીડિયોની મદદથી પોતાને પરિચિત કરવા અને તાલીમ મેળવવા માટે ડિજિટલ સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્ટાફે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમના મનપસંદ યોગ આસનોની તસવીરો અપલોડ કરી હતી જેમાં યોગ પ્રત્યેના તેમના ઝુકાવના કારણો પણ દર્શાવ્યા હતા અને યોગના મહત્વ, તેના ફાયદા તેમજ તણાવ નિયંત્રણ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. બધા સહભાગીઓએ મોટી સંખ્યામાં તેમના પરિવારના સભ્યો અને મિત્રોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 માં ભાગ લેવા અને યોગને તેમની દિનચર્યાનો એક ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા.

 

NCC નિદેશાલય ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર વતી NCC ગુજરાતના નાયબ મહાનિદેશક બ્રિગેડિયર હર્ષવર્ધનસિંહે NCCના અધિકારીઓ, સ્ટાફના સભ્યોએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમને આ રીતે સતત યોગદાન આપવા તેમજ સક્રીય રીતે સહભાગી થવા માટે પ્રેરણા આપી હતી.