*અમદાવાદ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ચેતના સંસ્થા દ્વારા યોજાયો કાર્યક્રમ*
અમદાવાદ: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” તરિકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.
ચેતના સંસ્થા, અમદાવાદ અને સલામ મુંબઈ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા આજ રોજ અમદાવાદ ખાતે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ”ની ઉજવણીના સપ્તાહ પૂર્વે રાજ્યકક્ષાના કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આરોગ્ય વિભાગ, પ્રાથમિક શિક્ષણ વિભાગ, ખાદ્ય અને અન્ન સુરક્ષા વિભાગ, રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ અને પોલીસ વિભાગ અને યુવાનો સાથે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ જોડાયા હતા.કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય યુવાનોને તમાકુથી થતા નુકશાન અંગે જાગૃત કરવા તેમજ વિવિધ સંસ્થાઓ અને સરકાર સાથે મળીને યુવાનોના તમાકુ મુક્ત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આરોગ્ય વિભાગમાંથી ઉપસ્થિત રહેલા ડૉ. બીનાબેન વડાલીયાએ કિશોરો અને યુવાનોને કેવી રીતે તમાકુની ખરાબ આદતથી દુર રાખી શકાય છે તે અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ. ચિંતન દેસાઈએ અમદાવાદ જિલ્લામાં કાર્યરત તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી.
ચેતના સંસ્થાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી માલવ કપાસીએ અમદાવદ જિલ્લામાં કાર્યરત “તમાકુ મુક્ત શાળા” અભિયાન અંગે તેમજ તે અંગેના નવ માપદંડો ઉપર વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. સાથે સાથે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો સાથે મળીને તમાકુ નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે અંગે કયા ક્યાં કાર્ય થઇ શકે છે તે અંગે જણાવ્યું હતું.
રાજ્ય રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ. જયેશ સોલંકીએ “રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ” તેમજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના હેતુ તેમજ રાજયકક્ષાએ મેળવેલ સિદ્ધિઓ વિશે છણાવટ કરી હતી.
સીમ્સ હોસ્પિટલ,અમદાવાદના કેન્સર સર્જન ડૉ. તરંગ પટેલે યુવાનો દ્વારા તમાકુની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે, જે સમય વીતતા આદતમાં પરિવર્તિત થાય છે અને અંતે નાણાકીય ભીંસ તેમજ કૌટુંબિક વિનાશનું કારણ આ જ વ્યસન બને છે તે અંગે ઉદાહરણ સહ સમજણ પૂરી પડી હતી. ડૉ. મલ્હાર પટેલ, રેડીએશન ઓન્કોલોજિસ્ટે ગુજરાત અને ભારતમાં તમાકુના વ્યસનનો વ્યાપ કેટલો નુકસાનકર્તા છે અંગે માહિતગાર કર્યા હતા. ડેન્ટલ સર્જન ડૉ. જે.પી. પીલ્લાઇએ યુવાનોમાં તમાકુના વ્યસનને કારણે થતા મોઢાંના કેન્સરનો ખ્યાલ આપ્યો હતો.
NSS Unit, આર. જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજ ના ડૉ. ચિરાગ ત્રિવેદીએ જિલ્લા અને તાલુકા કક્ષાએ NSS ના વિદ્યાર્થીઓના સહયોગથી કેવી રીતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમને વેગ આપી રહ્યા છે અને કરાવામા આવતી કાર્યક્રમ ની રૂપરેખા આપી હતી.
પોલીસ વિભાગમાંથી ઉપસ્થિત રહેલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટરશ્રી જી.કે. ભરવાડે COTPA 2003 ની કલમ 4 થી 7 અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. ફૂડ સેફ્ટી અધિકારી શ્રી સુરેશ ઓડે ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણ અંગે માહિતગાર કર્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં ચેતના સંસ્થાના નિયામક પલ્લવી પટેલે તમાકુ વિષય ઉપર ધ્યાન આપવાની જરૂર છે તેનો ખ્યાલ આપીને #StandStrongAgainstTobacco નામના સોશીયલ મીડિયા કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો.આ ઝુંબેશ તા 20 થી 31 મે 2022 સુધી “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” સુધી Facebook, Instagram, Twitter તેમજ LinkdIn જેવા વિવિધ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચલાવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ચેતના સંસ્થા અમદાવાદમાં રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ના સહયોગથી “તમાકુ મુક્ત શાળા” અભિયાન કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી ચલાવી રહી છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાંથી યુવાનો સાથે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી તેમજ પોતાના અનુભવો રજુ કર્યાં હતાં.
ઉપરાંત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 10 પ્રાથમિક શાળાઓને “તમાકુ મુક્ત શાળા” જાહેર કરીને સન્માનિત કરવામાં આવેલ હતી.