અમદાવાદમાં ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન કરતી ભારતીય સેના
અમદાવાદ: કોણાર્ક કોર દ્વારા ગોલ્ડન કટાર ડિવિઝન અને નાગરિક પ્રશાસન સાથે મળીને અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટની નજીક આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ‘સૈન્ય શૈલીમાં જીવન’ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાન યોજવામાં આવ્યું હતું. ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ મોહિત વાધવા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરિટકુમાર, SRDCLના ચેરમેન શ્રી કેશવ વર્મા સહિત અન્ય અતિથિ વિશેષની ઉપસ્થિતિના કારણે કાર્યક્રમની શોભામાં ઉત્સાહનો ઉમેરો થયો હતો.
નેશનલ કેડેટ કોર (NCC)ના વિદ્યાર્થીઓ, શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં સ્વદેશી બનાવટના નવા શસ્ત્રો, ઉપકરણો, પ્રેરણાદાયક ફિલ્મોનું સ્ક્રીનિંગ અને મિલિટરી લડાઈ ડ્રીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
‘કુકરી નૃત્ય’, ‘ઝાંઝ પથક’, મિલિટરી પાઇપ/જાઝ બેન્ડ પરફોર્મન્સ જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી આ કાર્યક્રમમાં લોકોનો વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સૈન્ય ભરતી સંગઠન અને NCC દ્વારા અહીં સ્ટોલ ઉભા કરીને વિવિધ પ્રકારની પ્રવેશ યોજનાઓ દ્વારા ભારતીય સૈન્યમાં જોડાવા માટેના અલગ અલગ પરિબળો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
“તમારા સૈન્યને જાણો” અભિયાન એક સંયુક્ત પહેલ છે જે સૌના માટે અનન્ય, યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ રહ્યો છે અને તેનાથી દરેક લોકો ભારતીય સૈન્યના શૌર્યની લાગણી સાથે જોડાયા હતા.