AMC દ્વારા રૂ,૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૯ PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી*

*અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરના સામનાની તૈયારીના ભાગરૂપે દરેક રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે ભારત સરકાર તરફથી સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪ મોટી જનરલ હોસ્પિટલો, ૯ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તથા એક કોવિડ કેર સેન્ટર ખાતે PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ નાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અનુસાર 2000,1000,500 LPM એમ જુદી જુદી કેપીસીટિના કુલ ૧૯ જેટલા પ્લાન્ટ કુલ રૂપિયા ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા હતા જેનું લોકાર્પણ આજરોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વર્ચ્યુઅલી આ લોકાર્પણ પ્રસંગે જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ’’ કોરોના મહામારીની ત્રીજી લહેર સામે વિશ્વ આખુ ઝઝૂમી રહ્યુ છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ કર્યું અને દેશવાસીઓને રક્ષા કવચ આપ્યું છે. ગુજરાતમાં રસીકરણ અભિયાન અંતર્ગત લોકોને રસી આપવામાં આવી છે જેનાથી અત્યારે ત્રીજી લહેરમાં સંક્રમણમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯ કરોડ,૭૬ લાખ,૮૬ હજાર, ૫૩૯ રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. આમ છતાં રાજ્ય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે PSA પ્લાન્ટની સુવિધા વ્યાપક બનાવી છે. દુનિયાના વિકસિત અને આધુનિક શહેરોમાં જેની ગણના થાય છે તેવા અમદાવાદના નગરજનોની આરોગ્યની સુખાકારીમાં વધારો કરવા માટે એકસાથે 19 ઓક્સિજન જનરલ પ્લાન્ટ અમદાવાદના નગરજનોને મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરેલા આ પ્લાન્ટ અમદાવાદની ત્રણ મોટી જનરલ હોસ્પિટલ, ૯ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને એક કોવિડ કેર સેન્ટર ખાતે લગાવવામાં આવ્યા છે.૫૦૦૦ થી ૨૦૦૦ લિટરની કેપેસીટી ધરાવતા આ પ્લાન્ટ જરૂરિયાતના સમયે દર્દીઓની ઓક્સિજનની માંગને પૂરી પાડશે. કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજનની માંગ ખૂબ વધી હતી અને નવા ઓક્સિજન પ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે સદભાગ્યે ત્રીજી લહેર દરમિયાન આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી આની પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં ચાલુ રહેલું વ્યાપક રસીકરણ અભિયાન છે, અને જેના પરિણામે રાજ્યમાં આજે દર્દીઓનું હોસ્પિટલાઇઝેશન ઓછું થયું અને ઓક્સિજનની જરૂર પણ ઓછી પડી છે, અત્યારે ત્રીજી લહેરમાં કોરોનાના એવા દર્દી અસરગ્રસ્ત થયા હતા જેમણે કોરોનાની રસી લીધી નથી. રસી ન લીધી હોય તો કોરોના સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વિકસે નહીં તે સ્વાભાવિક છે.

આજે આવા દર્દીઓને વેન્ટિલેટર પર રાખીને ઓક્સિજન આપવો પડ્યો હોય તેવા કિસ્સા જૂજ સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પડકારોને પહોંચી વળવાની ક્ષમતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણને આપી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રી એ વધુમા ઉમેર્યું હતુ કે બે- બે લહેરની તીવ્રતા દરમિયાન ઓક્સીજનની જરૂરિયાતને પૂરી કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારોએ આ પડકારને સ્વીકારીને સરકારના તમામ તંત્ર તેમાં જોડાયા અને દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી. એરફોર્સના વિમાનો અને નૌસેનાની પણ મદદ લેવાઇ. કેન્દ્ર સરકારે રેલ્વેના સહયોગથી 424 થી વધુ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવીને દેશભરના વિવિધ રાજ્યોમાં 1748 થી વધુ ટેન્કરોનો લગભગ 30,455 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન પૂરો પાડયો હતો. કોરોનાની પ્રથમ બે લહેરના અનુભવમાંથી આપણે ગુજરાતની હોસ્પિટલોને મેડિકલ ઓક્સિજનની વ્યવસ્થા બાબતે આત્મનિર્ભર બનાવવનું આયોજન રાખ્યું હતું. જેની તૈયારીના ભાગરૂપે હાલમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં 445 psa પ્લાન્ટ કાર્યરત છે.

તથા પી.એમ.કેર્સ ફંડ અંતર્ગત ગુજરાત માટે ૮૯.૯૧ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા 59 પ્લાન્ટ કાર્યરત થઇ ચુકયા છે. જેમાં તમામ સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના ફંડમાંથી પણ 55 psa પ્લાન્ટ રાજ્યોની આરોગ્ય સંસ્થાઓને મળ્યા છે. આ પ્લાન્ટની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા લગભગ ૩૧.૩૯ મેટ્રિક ટન છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે મોદીજીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો છે, આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. મેડિકલ ઓક્સિજનના જનરેશન, સ્ટોરેજ અને સપ્લાયની બાબતમાં ગુજરાતે આત્મનિર્ભરતા કેળવી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે અનેક પગલાં લીધા છે. જેમા સ્વદેશી માસ વેકસિનેશન, દવાઓ, ઓક્સિજનનું ઉત્પાદન અને રાજ્યોને પણ આરોગ્ય રક્ષા કવચ ઉપાડવા માટે સતત માર્ગદર્શન આપ્યું છે. વર્તમાન કોરોના મહામારીથી દેશ અને દુનિયાને ઓકસિજનનું મહત્વ સમજાયું છે. ગ્રીન કવર વધારી કુદરતી પ્રાણવાયુ માટેની સમજણ વધી છે. હવા, પાણી, જમીનના પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જની અસર નિવારવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને clean green નો નવો રાહ ચિંધ્યો છે તેમણે કંડારેલી કેડી પર ચાલીને ગુજરાતમાં PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના, રસીકરણ અભિયાન,ગ્રીન એનર્જીના વપરાશક્ષેત્રે દેશમા અત્યારે અગ્રેસર છે. રાજયના તમામ નાગરિકોની તંદુરસ્તી જળવાય એવી સ્થિતિનું નિર્માણ આપણે સૌએ કરવાનું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ભાર પૂર્વક જણાવ્યું હતું.આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયરશ્રી કિરીટકુમાર પરમારે રૂ,૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૯ PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટની માહિતી આપી હતી. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થવાથી હોસ્પિટલની 1393 પથારી ઉપર ઓક્સિજનની સુવિધા મળવાપાત્ર થશે અને લીકવીડ ઓક્સીજનના સપ્લાયનું ભારણ ઘટશે. જેમાં SVP માં ૬ પ્લાન્ટ, એલ.જી હોસ્પિટલમાં ૧, શારદાબેન હોસ્પિટલમાં૧, સમરસ હોસ્પિટલમાં ૨, ૯ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ૯ PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા વર્ચ્યુઅલ અને ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ લોકાર્પણ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.