જીએનએ ગાંધીનગર: દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીને આગળ વધારીને ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (યુનિટ)ના હેડક્વાર્ટર્સ દ્વારા 31 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગરમાં આવેલા વાયુ શક્તિનગર ખાતે 7.5 કિમીની એકતા દોડ (યુનિટી રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-ઇન-ચીફ) એર માર્શલ વિક્રમસિંહ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ લોકોમાં રમતગમતની ભાવનાને આગળ વધારવાનો અને મૈત્રી તેમજ એકતાની લાગણી વિકસાવવાનો હતો. તમામ કર્મીઓએ તેમના પરિવારના સભ્યો સાથે મળીને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. AOC-ઇન-ચીફે દોડ પૂરી થયા પછી તમામ સહભાગીઓને સંબોધન કર્યું હતું અને એકતા તેમજ જોશની તેમની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવા કાર્યક્રમો ખરેખરમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ’ દરમિયાન ફિટ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપે છે.