જીએનએ વડોદરા: વડોદરામાં તેમજ કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ (EME) સ્કૂલ અને 29 એર ડિફેન્સ રેજિમેન્ટ 617 (સ્વતંત્ર) એર ડિફેન્સ બ્રિગેડ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધૂમધામથી એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એકતા દિવસની સાથે સાથે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણી પણ સાંકળી લેવામાં આવી હતી. આ ઉજવણીમાં 29 અને 30 ઓક્ટોબર 2021ના રોજ કેવડિયા ખાતે મિલિટરી બેન્ડ દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારું બ્રાઝ અને જાઝ બેન્ડનું પરફોર્મન્સ અને 30 ઓક્ટોબર 2021ના રોજ વડોદરામાં EME સ્કૂલ પરિસરમાં આયુર્વેદિક ઔષધીઓનું વૃક્ષારોપણ સામેલ છે.
31 ઓક્ટોબર 2021ના રોજ, EME સ્કૂલ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૈન્યના 150 સહભાગીઓએ વડોદરાથી કેવડિયા સુધીનું 110 કિલોમીટરનું અંતર સાઇકલ પર કાપ્યું હતું. આ સાઇકલ રેલીને વડોદરા શહેરના પોલીસ કમિશનર અને EME સ્કૂલના કમાન્ડન્ટ દ્વારા સંયુક્ત રીતે ઝંડી બતાવીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ દિવસે જ, 7500 મીટરની રન ફોર યુનિટી (એકતા દોડ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 75 અધિકારીઓ અને સૈનિકો તેમજ તેમના પરિવારજનો, બાળકો અને નાગરિકોએ ભાગ લીધો હતો.