જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન અને કવન વિષયક પર યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

જીએનએ જામનગર: રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના મીડિયા વિભાગના ઉપક્રમે શહેરની એસ.વી.ઈ.ટી. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રીના જીવન અને કવન વિષયક યુવા સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન અને પ્રદેશ કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવેની સૂચના અનુસાર એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષસ્થાને જામનગર મહાનગર-જિલ્લાના મીડિયા વિભાગના પ્રભારી શ્રી સુરેશભાઈ પરમાર રહ્યા હતા.

જામનગર મીડિયા વિભાગના પ્રા. દીપાબેન સોનીએ મા. નરેન્દ્રભાઇ મોદીના જન્મથી લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જવાબદારી, દેશભ્રમણ, રાજકીય કારકિર્દી, જીવન દરમિયાનના સંઘર્ષો, લોકપ્રિયતા, વડાપ્રધાન પદેથી લીધેલાં વીરતાભર્યા ઐતિહાસિક નિર્ણયો, વૈશ્વિક પ્રતિષ્ઠા જેવા ક્ષેત્રની ભૂમિકા વર્ણવી હતી.
અધ્યક્ષસ્થાનેથી શ્રી સુરેશભાઈ પરમાર તેમજ રાજકોટ મહાનગર ભાજપના મીડિયા વિભાગ સાથે સંકડાયેલા પૂર્વ પત્રકાર શ્રી કિશોરભાઈ ડોડિયાએ પણ નરેન્દ્રભાઈ સાથે ફરજ બજાવ્યાના પ્રસંગોનો ઉલ્લેખ કરી મોદીજીની સાલસતા વર્ણવી હતી.

એસ.વી.ઈ.ટી. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રિચાર્ડ રેમેડિયસ ના માર્ગદર્શન અને નેજા હેઠળ ૧૧૦ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો હતો. કેટલાક ઉત્સાહી વિદ્યાર્થીઓ તો સ્વહસ્તે પેન્સિલ વડે આલેખેલા નરેન્દ્રભાઈ મોદીના ચિત્રો તેમજ જીવનના ઘટનાક્રમોની તવારિખ દર્શાવતા પોસ્ટર પોતાની સાથે લાવ્યા હતા. જે અધ્યક્ષશ્રી સમક્ષ રજૂ કરાતાં, મીડિયા વિભાગ દ્વારા તે કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા. વક્તવ્યના અંતે મોદીજી વિષયક પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેના ઉત્તરો આપનારાઓને પણ પુસ્તકો ભેટ આપી સન્માનિત કરાયા હતા.

શહેર મીડિયા વિભાગના શ્રી ભાર્ગવભાઈ ઠાકરે સ્વાગત પ્રવચન અને જિલ્લા મીડિયા વિભાગના શ્રી નરેન્દ્રસિંહ પરમારએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી અશોકભાઈ જાનીએ કર્યું હતું. મીડિયા સેલના સર્વશ્રી હેમતભાઈ ગોહિલ, સંજયભાઈ જાની, લક્ષ્મણભાઈ ગઢવી, વિજયસિંહ જાડેજા, તેજસભાઇ ગોરસિયા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.