સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧ લી થી તા.૧૫ મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા
પખવાડા-૨૦૨૧ ની થનારી ઉજવણી
નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં ઉજવણીના પૂર્વ આયોજન અંગે
યોજાયેલી બેઠકમાં સુચારૂ આયોજન ઘડી કાઢવા કરાયેલો વિચાર-વિમર્શ રાજપીપલા,તા 28
કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧ લી થી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૧ સુધી સ્વચ્છતા પખવાડા-૨૦૨૧ ની થનારી ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા પખવાડાની ઉજવણીના પૂર્વ આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહની રાહબરી હેઠળ નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં જરૂરી વિચાર-વિમર્શ સાથે સંબંધિત અમલીકરણ અધિકારીઓને ઉક્ત ઉજવણી દરમિયાન સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા સૂચના આપવામાં આવી છે. પ્રાંત અધિકારી કે.ડી.ભગત, દિપક બારીયા અને અશોક ડાંગી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજશ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આર.બી.ઝા, ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અરવિંદ પ્રજાપતિ, નહેરુયુવા કેન્દ્રના ચંદ્રકાન્ત વણકર સહિત સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત જિલ્લાના તમામ ગામોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કોર્પોરેટ કંપનીઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરેના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા, સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત પહેલા જિલ્લાના સૌથી વધુ ગંદા વિસ્તારો, પોકેટ્સ વગેરે સુનિશ્વિત કરી તેની યાદી બનાવીને આવા વિસ્તારોમાં સંપૂર્ણ સફાઇ થાય અને કાયમી રીતે હંમેશા સ્વચ્છ રહે તે માટે સ્થાનિક પરિસ્થિતિ મુજબની કાર્ય યોજના તૈયાર કરીને તેનો અમલ કરવા, સૌથી ગંદા વિસ્તારોમાં મહાનુભાવોની મુલાકાત મારફત સ્વચ્છતાની સમજ સાથેનો સંદેશો ગુંજતો થાય તેવા કાર્યક્રમોનું આયોજન થાય તે જોવાની પણ હિમાયત કરાઇ હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત તાલુકા વાઇઝ નિમાયેલા નોડલ અધિકારીઓને સ્વચ્છતા જાગૃત્તિ માટે બેઠકો, વેબિનાર, વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવા, સ્વચ્છતા અંગેનો સંદેશ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ-વપરાશ ન થાય તે અંગેની જાગૃત્તિ કેળવવા ઉપરાંત ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મિડીયા ટુલ્સ-પ્લેટ ફોર્મનો ઉપયોગ કરવા, માસ્ક, સેનીટાઇઝર, સાબુ અને સુરક્ષા સંબંધી વસ્તુઓની વિતરણની કામગીરી સહિત સ્વચ્છતાને લગતી આનુસંગિક અન્ય તમામ બાબતોને આવરી લેતી લોક જાગૃત્તિની પ્રવૃત્તિઓ પણ ઉક્ત ઉજવણી દરમિયાન આવરી લેવાની જરૂરીયાત પર ભાર મૂકાયો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા