ગાંધીનગર ખાતે ભારતીય વાયુસેનાના SWAC દ્વારા કુદરતી કૃષિ ખેતીવાડીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શન સાથે વેચાણનું કરાયું આયોજન.
ગાંધીનગર: ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા આપવામાં આવેલા પ્રેરણાદાયી વિચારો પરથી પ્રેરિત થઇને, કુદરતી ખેતીવાડી તરફ સામાન્ય લોકોનું ધ્યાન દોરવા માટે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા 18 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં ચિલોડા કેમ્પસ ખાતે આવેલા વાયુ શક્તિ નગરમાં કુદરતી ખેતી કૃષિ ઉપજોનું પ્રદર્શન સાથે વેચાણ યોજવામાં આવ્યું હતું.
કૃષિ ટેકનિકલ વ્યવસ્થાપન એજન્સી (ATMA)ના અધિકારીઓ અને કુદરતી ખેતીવાડીમાં જોડાયેલા સ્થાનિક ખેડૂતો સાથે સંકલન દ્વારા આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, મુલાકાત લેનારા લોકોને કોઇપણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વગર ઉત્પન્ન કરવામાં આવતી કુદરતી કૃષિ ઉપજોના ઉપયોગના લાભો વિશે સમજણ આપવામાં આવી હતી.
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપ સિંહ AVSM VM, AFWWA (પ્રાદેશિક)ના પ્રેસિડેન્ટ શ્રીમતી કામિનીસિંહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.