આગામી દિવસોમાં ICCR સાથેના સહયોગ થકી શક્ય તે દેશ-વિદેશનાં સાંસ્કૃતિક કાર્યક્રમ-લોકનૃત્ય થઇ શકે તે માટેના કાર્યક્રમનું આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું શ્રેષ્ડપ્રવાસન સ્થળ:

ડેસ્ટીનેશન પ્રવાસન માટેનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઉટલુક મેગેઝીનનો એવોર્ડ આપણાં સૌ માટે ગર્વની વાત: જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર મનોજ કોઠારી

રાજપીપલા,તા 24

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂંકા સમયમાં જ વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની ઉત્તમ ગુણવત્તા સાથેની વિશ્વકક્ષાની શ્રેષ્ઠત્તમ સુવિધા-વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરદાર સાહેબની પ્રતિમા આજે વિશ્વની એકતાનું પ્રતિક બની છે, ત્યારે તેની સ્થાપના બાદ ટૂંકા સમયમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. પ્રવાસન ક્ષેત્રે ભારતનું સૌથી પ્રતિષ્ઠિત આઉટલુક ટ્રાવેલર એવોર્ડ-૨૦૨૦ એનાયત કરાયો છે.
નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર મનોજ કોઠારીએ આજે રાજપીપલા ખાતેજણાવ્યુ હતુ કે આઉટલુક મેગેઝિન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ક્ષેત્રે ભારતનું સૌથી પ્રતિષ્ઠિત આઉટલુક ટ્રાવેલર એવોર્ડ-અંગે આંનદ અને ખુશીની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, આઉટલુક મેગેઝિન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઉટલુક ડેસ્ટીનેશન પ્રવાસન માટેનો શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત ગણી શકાય. વધુમાં તેમણે ઉક્ત એવોર્ડના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, પ્રવાસીઓમાં દિન-પ્રતિદિન વધતું આકર્ષણ તેમજ વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી હોવાની સાથોસાથ દરરોજ પ્રવાસીઓ-મુલાકાતીઓની સંખ્યા વધી રહી હોવા જેવી બાબતોને લક્ષ લઇને આ એવોર્ડ એનાયત કરાયો છે.
જિલ્લા કલેક્ટર કોઠારીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ ડેસ્ટીનેશન ઉપર સમયાંતરે વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ જંગલ સફારી પાર્ક પણ પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. તદ્દઉપરાંત સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે દેશ-વિદેશનાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તાજેતરમાં જ આફ્રિકા, યુગાન્ડા, ટાંન્ઝાનિયા, સુદાન તેમજ અન્ય બે દેશોના લોકનૃત્યનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેને પ્રવાસીઓએ વધાવીને ઉત્સાહપૂર્વક માણ્યો હતો. આગામી દિવસોમાં ICCR સાથેના સહયોગ થકી શક્ય તે દેશ-વિદેશનાં સાંસ્કૃતિક કાર્યક્રમ-લોકનૃત્ય થઇ શકે તે માટેના કાર્યક્રમનું આયોજન ઘડાઇ રહ્યું હોવાનો પણ તેમણે નિર્દેશ કર્યો હતો.