ભારત માતાની જય,
નમસ્તે ટ્રમ્પ, હું કહીશ ઇન્ડિયા-યુએસ ફ્રેન્ડશીપ, તમે કહેજો લોંગ લીવ – લોંગ લીવ.
નમસ્તે,
આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતું પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાનો પ્રારંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ સાથે કરી રહ્યા છે.
તમે કલ્પના કરી શકો છો તેઓ અમેરિકાથી સીધા અહીં પહોંચ્યા છે. આટલી લાંબી મુસાફરી બાદ ભારતમાં ઉતરતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે સીધા સાબરમતી આશ્રમ ગયા અને પછી આ કાર્યક્રમમાં આવ્યા છે. વિશ્વની આ સૌથી મોટી લોકશાહીમાં તમારું સહૃદય ખૂબ-ખૂબ સ્વાગત છે.
આ ધરતી ગુજરાતની છે પરંતુ તમારા સ્વાગત માટેનો ઉત્સાહ સમગ્ર હિન્દુસ્તાનમાં છે. આ ઉત્સાહ, આ આકાશ સુધી ગૂંજતો ધ્વની, આ સંપૂર્ણ વાતાવરણ એરપોર્ટથી લઈને અહીં સ્ટેડિયમ સુધી દરેક દિશા ભારતની વિવિધતાઓના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. અને આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, ઇવાન્કા અને જરેદની હાજરી, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પોતાના પરિવાર સાથે અહીં આવવું એ ભારત-અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવી મીઠાશ અને ઘનિષ્ઠતાની ઓળખ આપી રહ્યા છે.
ભારત-અમેરિકાના સંબંધો એ માત્ર સામાન્ય ભાગીદારી નથી પરંતુ તે તેના કરતા પણ વિશેષ અને ઘનિષ્ઠ સંબંધ છે. આ કાર્યક્રમનું જે નામ છે – ‘નમસ્તે’ તેનો અર્થ પણ ઘણો ઊંડો છે. તે વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક સંસ્કૃતનો શબ્દ છે. તેનો ભાવ છે કે માત્ર વ્યક્તિને જ નહી પરંતુ તેની અંદર વ્યાપ્ત દિવ્યતાને પણ અમે નમન કરીએ છીએ. આટલા ભવ્ય સમારોહ માટે હું ગુજરાતના લોકોને, ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યના લોકોને અભિનંદન પાઠવું છું.
શ્રીમાન રાષ્ટ્રપતિ, મિત્રો, આજે તમે એ ભૂમિ પર છો જ્યાં 5 હજાર વર્ષ જૂનું શહેર ધોળાવિરા રહ્યું છે અને તેટલું જ જૂનું લોથલ બંદર પણ રહ્યું છે. આજે તમે એ સાબરમતી નદીના તટ પર છે જેનું ભારતની આઝાદીમાં મહત્વનું સ્થાન રહ્યું છે. આજે તમે વૈવિધ્યથી સભર એ ભારતમાં છો જ્યાં સેંકડો ભાષાઓ બોલવામાં આવે છે. સેંકડો પ્રકારના પહેરવેશો છે, સેંકડો પ્રકારની ખાણી-પીણી છે, અનેક પંથ અને સમુદાયો છે. અમારી આ સમૃદ્ધ વિવિધતા, વિવિધતામાં એકતા અને એકતાની ગતિશીલતા ભારત અને અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોનો બહુ મોટો આધાર છે. એક મુક્તતાની જમીન છે તો એક સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. એકને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી પર ગર્વ છે તો બીજાને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ગૌરવ છે. એવું ઘણું છે જે આપણે વહેંચીએ છીએ, પારસ્પરિક મૂલ્યો અને આદર્શો, પારસ્પરિક ઉદ્યોગનો ઉત્સાહ અને ઇનોવેશન, પારસ્પરિક તકો અને પડકારો, પારસ્પરિક આશાઓ અને મહત્વકાંક્ષાઓ. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ઊંડી બની છે અને એટલા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ યાત્રા ભારત અને અમેરિકાના સંબંધોનો એક નવો અધ્યાય છે. એક એવો અધ્યાય કે જે અમેરિકા અને ભારતના લોકોની પ્રગતી અને સમૃદ્ધિનો નવો દસ્તાવેજ બનશે.
મિત્રો,
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણું મોટું વિચારે છે અને અમેરિકન સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે જે કંઈ પણ કર્યું છે તેનાથી વિશ્વ સુપેરે પરિચિત છે. આજે અમે સમગ્ર ટ્રમ્પ પરિવારને વિશેષ અભિનંદન આપીએ છીએ. ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, તમારું અહીં ઉપસ્થિત હોવું એ અમારી માટે ઘણા મોટા સન્માનની વાત છે. તંદુરસ્ત અને ખુશહાલ અમેરિકાની માટે તમે જે કર્યું છે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. સમાજમાં બાળકો માટે તમે જે કરી રહ્યા છો તે પ્રશંસનીય છે. તમે કહો છો – બી બેસ્ટ! શ્રેષ્ઠ બનો! તમે અનુભવ કર્યો હશે કે આજના સ્વાગત સમારોહમાં પણ લોકોની આ જ ભાવના પ્રગટ થાય છે. ઇવાન્કા બે વર્ષ પહેલા તમે ભારતમાં આવ્યા હતા, ત્યારે તમે કહ્યું હતું કે હું ફરીથી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરીથી અમારી વચ્ચે છો, તમારું સ્વાગત છે. જરેદ તમારી વિશેષતા છે કે તમે લાઈમ લાઈટથી દૂર રહો છો પરંતુ તમે જે કામ કરી રહ્યા છો તેનો પ્રભાવ ઘણો હોય છે, તેના દૂરોગામી પરિણામો નીકળે છે. જ્યારે પણ તમને મળવાનો અવસર મળ્યો ત્યારે તમે તમારા ભારતીય મિત્રોની ભરપુર ચર્ચા પણ કરતા રહ્યા છો. તમને મળીને, તમને આજે અહીં જોઇને મને ખૂબ ખુશી અનુભવાઈ રહી છે.
સાથીઓ, આજે આ મંચ પરથી પ્રત્યેક ભારતીય અને અમેરિકાની સાથે જ સમગ્ર દુનિયા રાષ્ટ્રપતિ ટ્રમ્પને સાંભળવા માગે છે. તેમના સંબોધન બાદ હું તેમનો આભાર પ્રગટ કરતા તમારી સાથે બીજી પણ થોડીક વાતો જરૂરથી કરીશ.
હું 130 કરોડ ભારતીયો તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને આમંત્રિત કરું છું. મિત્રો, હું તમારી સમક્ષ મારા મિત્ર, ભારતના મિત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને પ્રસ્તુત કરું છું.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મંત્રીમંડળ ના સભ્યો, ગુજરાતના જાહેરજીવનના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, અને મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.