નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ વિવાદ, કેટલાય મીડિયા સાથે માહિતી વિભાગે કર્યો ભેદભાવ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ દેશભરમાં એક ઉત્સાહનો માહોલ છે. ત્યારે આ મેગા ઈવેન્ટને કવર કરવા માટે ન ફક્ત દેશ પણ વિદેશથી પણ અનેક પત્રકારો અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે દેશનાં જ કેટલાક અગ્રણી મીડિયા હાઉસ દ્વારા માહિતી વિભાગ દ્વારા ભેદભાવ રખાતો હોવાનો સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે. એક રાષ્ટ્રીય ચેનલ દ્વારા આ મામલે પ્રેસ ઈન્ફોર્મેશ બ્યૂરો (PIB)ને ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે દેશભરના મીડિયા હાઉસ અમદાવાદમાં ધામા નાખીને બેઠા છે. વિદેશથી પણ પત્રકારો અહીં આવ્યા છે. તેવામાં આ ઐતિહાસિક ઈવેન્ટની એક ક્ષણ ન ચૂકી જવાય તે માટે મીડિયા હાઉસ દ્વારા સતત લાઈવ અપડેટ લોકોને આપવામાં આવી રહ્યું છે. ત્યારે દેશની નેશનલ ચેનલો દ્વારા જ માહિતી વિભાગ દ્વારા ભેદભાવનો આરોપ મૂકાતાં જ ચકચાર મચી જવા પામી છે.

આ મામલે નેશનલ ચેનલે પીઆઈબીને ફરિયાદ કરી છે. માહિતી વિભાગ દ્વારા મીડિયા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેવું આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. તો સાથે જ માહિતી વિભાગમાં સંકલનનો અભાવ હોવાની રજૂઆત પણ ફરિયાદમાં કરવામાં આવી છે. તો નેશનલ ચેનલ દ્વારા આ ફરિયાદ કરવામાં આવતાં જ ભારતીય મીડિયા જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.