*ભારત અને ચીન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિનાં પરિણામો* © દેવેન્દ્ર કુમાર

#લદ્દાખ ક્ષેત્રમાં ચાલુ ભારત ચીન વચ્ચે તણાવની સ્થિતિનાં મૂળમાં એક માત્ર સરહદ વિવાદ તરીકે જોવામાં આવે તો આ પરિસ્થિતિને સાચી રીતે ઓળખી શકાશે નહી. ભારત ચીન સરહદ જેમાં પશ્ચિમ ક્ષેત્રમાં આવેલી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC), મધ્ય ક્ષેત્ર તથા મેકમોહન લાઈનને ગણતાં લગભગ 4056 કિલોમીટર લાંબી છે. ચીન ભારત સાથે એક સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ લડી ચુક્યું છે જેનાં વિશે ભૂતકાળમાં તથા વર્તમાનમાં પણ ઘણી જાણકારી ઉપલબ્ધ થતી રહી છે અને થતી જ રહે છે તથા ભવિષ્યમાં પણ થતી રહેશે.
ચીન સાથે હમણાં ઊભી થયેલી પરિસ્થિતિનું જો સમગ્રપણે વિશ્લેષણ કરવામાં આવે તો એનાં ઘણાં કારણો તથા પરિમાણો દેખાયા વગર રહેશે નહી. ઘણા જાણકારો આજની સ્થિતિને ભુતકાળમાં થયેલી ડોકલામ સ્થિતિ સાથે સરખામણી કરે છે પરંતુ જો બંને પરિસ્થિતિને ઝીણવટભરી દ્રષ્ટિએ જોઈએ તો સરખામણી કરી શકાય એવી નથી જેનાં કેટલાક ચોક્કસ કારણો છે.

1. પ્રાદેશિક કારણો
2. દ્વિપક્ષીય કારણો
3. પ્રિ કોરોના વૈશ્વિક કારણો
4. પોસ્ટ કોરોના વૈશ્વિક કારણો
5. સ્થાનિક કારણો

1. પ્રાદેશિક કારણો : પ્રાદેશિક કારણોમાં એવાં કારણોને ગણી શકાય જે એશિયામાં સ્થિત છે અને જે બંને દેશોને સીધી અથવા આડકતરી રીતે અસર કરે છે. એ સર્વવિદિત છે કે ચીન હંમેશા અશિયા ખંડમાં પોતાની સર્વોપરિતા જોવા ઈચ્છે છે અને એ માટે સતત પ્રયત્નશીલ પણ છે, એશિયામાં ચીનની સર્વોપરિતાનુ પ્રબળ પ્રતિસ્પર્ધી ભારત છે તથા છેલ્લા કેટલાક સમયથી ભારતની શક્તિ, કદ, ગણના પણ વધી રહી છે જે કોઈ પણ મહાત્વાકાંક્ષી દેશ એમાં પણ ચીન જેવા વિસ્તારવાદી દેશને ખટકે જ તે સ્વાભાવિક છે, ત્યારે કયા પ્રાદેશિક કારણો પણ સ્થિતિમાં ભાગ ભજવે છે એ જાણવા જેવા ખરા.

1.1 : ભારતની વધતી આર્થિક તાકાત : છેલ્લા કેટલાક સમયથી ભારતની આર્થિક વૃદ્ધિ વિશ્વમાં સૌથી વધુ રહી છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે. સરકાર પણ આવનારા વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવાવનુ લક્ષ્ય નિર્ધારિત કરીને એ માટે યોજનાઓ બનાવી રહી છે. આ પરિસ્થિતિમાં આર્થિક વૃદ્ધિને રોકવા માટે, નવી કંપનીઓ ભારતમાં ન આવે તે માટે, નવા ઉદ્યોગો ન સ્થપાય તે માટે દેશનું ધ્યાન અન્યત્ર ફેરવી નાખવાની કોશિશ તરીકે ચીનના પગલાંને જોવામાં આવે તે જરૂરી છે.

1.2 : ભારતની વધતી સૈન્ય શક્તિ : ભારત સરકાર દ્વારા છેલ્લા પાંચ છ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રનુ આધુનિકરણ કરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેનાથી ચીનના પેટમાં ચોક્કસ તેલ રેડાયું છે. ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ સંરક્ષણ ક્ષેત્ર હોય એવું લાગે છે. શસ્ત્રોની ખરીદી, ભારતમાં જ શસ્ત્રોનું નિર્માણ વગેરે પાછળ ભારત ખુબ ખર્ચ કરી રહ્યું છે જોકે છતાં ચીનનું સંરક્ષણ પાછળનું બજેટ ભારતના સંરક્ષણ બજેટ કરતાં અનેકગણું વધારે છે.

1.3 : ભારત દક્ષિણ એશિયામાં સૌથી મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે જે ચીનની આર્થિક સર્વોપરિતા સ્થાપિત કરવાની મહાત્વાકાંક્ષા સામે પડકાર છે.

1.4 : ભારત સાર્ક સંગઠનનાં પાકિસ્તાનમાં યોજાનાર સંમેલન માટે અન્ય દેશો બહિષ્કાર કરવા સમજાવી શકવામાં સફળ રહ્યું જેનો બીજો અર્થ દક્ષિણ એશિયામાં ભારત પોતાનો પ્રભાવ સફળતાપૂર્વક વધારી રહ્યું છે.

1.5: માલદીવમાં ભારત વિરોધી તથા ચીન, પાકિસ્તાન તરફી સરકારનું પતન અને ભારત તરફી સરકારની સ્થાપના. ભારતીય વડાપ્રધાનની બીજી ઇનિંગ્સની સૌથી પહેલી વિદેશી મુલાકાત માલદીવમાં અને સંરક્ષણ, વેપાર વગેરે વિશે જ કરારો ઉપર હસ્તાક્ષર.

1.6 શ્રીલંકામાં ભારત વિરોધી તથા ચીન અને પાકિસ્તાન તરફી સત્તાધારી પાર્ટીની સ્થાનિક ચુંટણીમાં કારમી હાર અને ભારત તરફી વલણ ધરાવતી સરકારનું ગઠન.

1.7 : બાંગ્લાદેશમાં શેખ હસીના ની ભારત તરફી સરકાર સાથે ઉષ્માપૂર્ણ સંબંધ તથા કેટલાક વર્ષોથી પડતર પ્રશ્નો નો નિવેડો આવવો જેથી બંને દેશો વચ્ચે વિશ્વાસમાં વધારો.

1.8 : મ્યાનમાર જે એક વખત સંપૂર્ણ રીતે ચીનની તરફેણમાં હતું તે મ્યાનમાર સરકાર દ્વારા ભારત સાથે વિશેષ સંબંધની શરૂઆત. મ્યાનમારની જમીન ઉપર ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા, ચલાવતા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ ભારતીય સેનાના ઓપરેશનમાં મ્યાનમાર સરકાર દ્વારા પુરતો સહયોગ તથા ભાગીદારી. એક કરતાં વધુ વખત ભારતીય સેના દ્વારા મ્યાનમારની સરહદમાં જઈને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

1.9 જેને અમેરિકાએ તરછોડી દીધું હતું એવા પાકિસ્તાનને બગલબચ્યું બનાવ્યા બાદ છેલ્લા છએક વર્ષમાં પાકિસ્તાનનો વૈશ્વિક અઘોષિત બહિષ્કાર કરાવવામાં ભારતને મળેલી અભૂતપૂર્વ સફળતા. પાકિસ્તાનનું સમર્થન કરવાને પરિણામે ચીનની વૈશ્વિક બદનામી થઈ.

1.10 : મધ્યપૂર્વના દેશોમાં ભારતની સતત વધતી જતી વગ અને સમર્થન.

1.11 કોરોના મહામારી વખતે ભારત દ્વારા દક્ષિણ એશિયાના દેશોના નેતૃત્વનું પ્રદર્શન કરતાં સાર્ક દેશોના વડાઓની બેઠક બોલાવી તથા એકબીજા સાથે સહયોગ કરવા સહમત કર્યા.

1.12 : ભારત દ્વારા પ્રથમ વખત રિવર્સ પર્લ્સ ઓફ સ્ટ્રીગ ની શરૂઆત.

ઉપરના બાર કારણો જોઈએ તો એવું સ્પષ્ટ દેખાય છે કે ભારત ચીનની આર્થિક, સામરિક તથા પ્રાદેશિક મહાત્વાકાંક્ષા સામે સૌથી મોટો પડકાર બનીને ઊભું થયું છે. આ ઉપરાંત પ્રાદેશિક સ્તરે ભારત ચીન કરતાં વધારે ભરોસાપાત્ર દેશ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે.
અન્ય કારણો હવે પછીના લેખમાં..

ક્રમશઃ
© દેવેન્દ્ર કુમાર