વડોદરા EME સ્કૂલ ખાતે ‘વિજય મશાલ’ના કાર્યક્રમમાં મશાલનું સૈન્ય સન્માન સાથે કરાયું ભવ્ય સ્વાગત

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ‘વિજય મશાલ’નું વડોદરામાં આવેલી EME સ્કૂલ ખાતે ઓફિસિએટિંગ કમાન્ડન્ટ દ્વારા સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.એક વર્ષ લાંબી આ ઉજવણી માટે, 16 ડિસેમ્બર 2020ના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી ચાર વિજય મશાલને દેશની ચાર દિશામાં રાષ્ટ્ર ભ્રમણ માટે મોકલવામાં આવી હતી. 1971માં થયેલા યુદ્ધમાં દેશ માટે લડનારા ભારતના બહાદુર પુત્રો પ્રત્યે દેશની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ ‘વિજય મશાલ’ રવાના કરવામાં આવી હતી. આમાંથી એક વિજય મશાલ 29 ઑગસ્ટ 2021ના રોજ વડોદરા ખાતે EME સ્કૂલમાં આવી હતી અને તેને ક્વાર્ટર ગાર્ડ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ મશાલને આઇકોનિક દક્ષિણમૂર્તિ મંદિર ખાતે લઇ જવામાં આવી હતી.

1971ના યુદ્ધ દરમિયાન EMEના કોરના બહાદુર હોંશિયાર યોદ્ધાઓને પાંચ સેના મેડલ, છ વિશિષ્ટ સેવા મેડલ અને ચોપ્પન મેન્શન્ડ-ઇન-ડિસ્પેચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે વિજય મશાલના રોકાણ દરમિયાન 1971ના યુદ્ધમાં ભારતના સશસ્ત્ર દળોના શૌર્યપૂર્ણ કાર્યોની સ્મૃતિમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે.