તા. ૨૨ ઓગસ્ટ ને રવિવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવનાર ૧૧૧૧ મહિલાઓને પોતાના ભાઈને કોરોના વાયરસ થી રક્ષણ થાય તે માટે વિનામૂલ્યે માસ્ક આપવામાં આવશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે, પોતાનો ભાઈ સુખી સંપન્ન થાય તેવા આશીર્વાદ આપતી હોય છે, સાથે પોતાના ભાઈના સ્વાસ્થ્ય સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના પણ કરતી હોય છે. છેલ્લા કેટલાય સમયથી કોરોના વાયરસની ઉપાધિ પ્રવર્તમાન છે ત્યારે પોતાના ભાઈને કોરોના વાયરસ ન લાગી જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તેથી દરેક ભાઈઓની રક્ષા થાય એટલા માટે કુમકુમ મંદિર દ્વારા બહેનોને માસ્ક આપવામાં આવશે.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજી એ વધુમાં જણાવ્યું હતું કે, સૌને હાથ જોડીને પ્રાર્થના છે કે, રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવીએ, પરંતુ સાવચેતી અવશ્ય રાખીએ, માસ્ક અવશ્ય પહેરીએ,નહી તો કોરોના વાયરસની ત્રીજી લહેરને આપણે સામેથી આમંત્રણ આપીશું અને દુઃખી થઈશું.
રક્ષાબંધન પર્વ પ્રસંગે આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે, સૌ કોઈને કોરોના વાયરસ થકી રક્ષા થાય અને સાથે – સાથે આપણા હૃદયમાં રહેલા કામ ,ક્રોધ, લોભ ,મોહ વગેરે દોષો થકી પણ ભગવાન આપણા સૌનું રક્ષણ કરે.
આથી ૨૦૦ વર્ષ પહેલાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જયારે મનુષ્યરૂપે દર્શન આપતા હતા ત્યારે પણ ભક્તો ભગવાનને રાખડી બાંધી અને પોતાનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરતા હતા,તે પરંપરા અનુસાર રવિવારે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર – અમદાવાદ ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં રક્ષાબંધનના દિવસે સવારે ૮ – ૦૦ વાગે સૌ સંતો ભક્તો ભગવાનને રાખડી બાંધશે અને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરશે.