અંદાજે રૂા.૧૨૯.૮૦ લાખના ખર્ચે ૩ ઓક્સિજન PSA પ્લાન્ટની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ

રાજપીપલામાં “ વિકાસ દિવસ “ નિમિત્તે યોજાયેલો આરોગ્ય સુખાકારીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો


અંદાજે રૂા.૧૨૯.૮૦ લાખના ખર્ચે ૩ ઓક્સિજન PSA પ્લાન્ટની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ :

રાજપીપલા કોવિડ હોસ્પિટલ સહિત ગરૂડેશ્વર અને દેડિયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળ પર મહાનુભાવોના હસ્તે લોકાર્પણ

રૂા.૧,૩૬,૮૮,૫૭૧/- ની રકમના ખર્ચે આરોગ્યલક્ષી સારવાર માટેના વિવિધ ઉપકરણો સાથેની સુવિધાઓનું લોકાર્પણ

રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લા માટે રૂા.૫ કરોડના ખર્ચે સીટીસ્કેન મશીનની સુવિધા માટે અપાઇ મંજૂરી

મહાનુભાવોના હસ્તે ૧૧ જેટલા તબીબો-પેરા મેડીકલ સ્ટાફના આરોગ્ય રક્ષકોનું કોરોના વોરિયર્સ તરીકે અને પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા વેક્સિનેશનવાળા ૮ ગામના સંરપચશ્રીઓનું પ્રતિકાત્મક રીતે શાલ ઓઢાડી પ્રશસ્તિપત્રો એનાયત કરવાની સાથે કરાયું બહુમાન

જિલ્લાભરના કુલ ૪૫ જેટલા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સહિતના આરોગ્ય રક્ષકોઓનું કોરોના વોરિયર્સ તરીકે કરાયું સન્માન : ૧૦૦ ટકા વેક્સિનેશન માટે કુલ ૧૬ સંરપચનું કરાયું અભિવાદન


રાજપીપલા,તા 13

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે “વિકાસ દિવસ” નિમિત્તે બપોર બાદ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમાર, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મહિલા અગ્રણી ડૉ.દર્શનાબેન દેશમુખ, ડૉ.ધવલભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા સહિતના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સ, ૧૦૦ ટકા વેક્સિનેશન વાળા ગામના સરપંચશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે આરોગ્ય સુખાકારીના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આપણે સૌએ ગત માર્ચ-એપ્રિલ-મે માસ દરમિયાન કોરોનાની મહામારીની પરિસ્થિતિ જોઈ છે અને તેવા સમયે કોઈપણ જાતની પરવા કર્યા વિના પોતાની જાનના જોખમે આરોગ્ય વિભાગના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સહિતના સહુ કર્મયોગીઓએ ખડે પગે દરદીઓની સારવાર-સુશ્રુષાની સેવાઓ કરી છે, ત્યારે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર સામે સરકારશ્રી અને નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા આરોગ્યલક્ષી વિવિધ ઉપકરણોની ઉપલબ્ધિ સાથે પૂરતી સજ્જતા કેળવાઈ છે, ત્યારે સૌના સાથ-સહકાર અને સુચારા સંકલન થકી આપણે આ મહામારીમાંથી ચોક્કસ બહાર નિકળીશું, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે રૂા.૭૧ લાખના ખર્ચે, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે રૂા.૨૯.૪૦ લાખના ખર્ચે અને દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે રૂા.૨૯.૪૦ લાખના ખર્ચ સહિત કુલ રૂા.૧૨૯.૮૦ લાખના ખર્ચે ૩ જેટલા ઓક્સિજન PSA પ્લાન્ટની પ્રતિકાત્મકરૂપે ચાવી અર્પણ કરી હતી. તદઉપરાંત, રૂા.૧,૩૬,૮૮,૫૭૧/- ના ખર્ચના આરોગ્યલક્ષી સારવાર માટેના વિવિધ ઉપકરણો-સાધનોનું લોકાર્પણ કરાયું હતું.
તેવી જ રીતે ઉક્ત ત્રણેય સ્થળોએ મહાનુભવોના હસ્તે સ્થળ પર ઓક્સિજન PSA પ્લાન્ટ તથા સાધન સામગ્રીનું સ્થળ પર લોકાર્પણ કરાયું હતું.
અત્રે એ નોંધવું જરૂરી છે કે, રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લા માટે રૂા.૫ કરોડના ખર્ચે સીટીસ્કેન મશીનની સુવિધા પૂરી પાડવાની પણ મંજૂરી અપાઈ છે.
તદઉપરાંત, નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના કુલ-૧૧ જેટલા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સહિતના આરોગ્યરક્ષકોનું કોરોના વોરિયર્સ તરીકે પ્રતિકાત્મક રીતે શાલ ઓઢાડીને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું. તેવી જ રીતે કોરોના વેક્સીનેશન ક્ષેત્રે પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા કામગીરી સાથેની સિદ્ધિ હાંસલ કરનાર ૮ જેટલા ગામોના સંરપચઓનું પણ પ્રતિકાત્મક રીતે શાલ ઓઢાડીને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા