રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં
“વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ
યોજાયો

રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં
“વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ
યોજાયો


મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૨૦ લાભાર્થીઓને આવાસની ચાવી અને ૨૦ લાભાર્થીઓને મંજુરી હુકમો
એનાયત : રૂ.૭૩.૫૦ લાખના ખર્ચે ૩ નવી બસોનું લોકાર્પણ


નર્મદા જિલ્લામાં “વિકાસ દિવસ” નિમિતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૮૪ લાખના ખર્ચે ૯૦ લાભાર્થીઓને આવાસ સુવિધા ઉપલબ્ધિ સાથે રૂ.૧૩.૨૩ કરોડના
ખર્ચે ૪૪૧૦ લાભાર્થીઆના આવાસ મંજુર





રાજપીપલા,તા 13



ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે ” વિકાસ દિવસ ” અંતર્ગત ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ. એમ. ડિંડોર, જિલ્લાના અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી સહિત અધિકારીઓ-પદાધિકારી ઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “ વિકાસ દિવસ” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને રાજ્યની સાથે દેશનો વિકાસ કર્યો છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા ડેમની સામે જ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન હાંસલ કર્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની સાથે નર્મદા જિલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” બનાવીને આદિવાસી યુવાનોને ગાઇડ તરીકે રાખીને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી છે.

રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ વિકાસલક્ષી કામો હાથ ધરીને રાજ્યને સર્વોત્તમ બનાવીને વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. સિંચાઈ, રોજગારી, એસ.ટી.વિભાગ, વિજ વિભાગ સહિત અનેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં લીધા હોવાની સાથે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે માટે ગૃહ પ્રવેશ અને ખાતમૂહૂર્તના કામો હાથ ધર્યાં છે. “નલ સે જલ” યોજના અંતર્ગત છેવાડાના લોકોને ઘર આંગણે જ પાણી મળી રહે તે માટે વર્ષ-૨૦૨૨ સુધીમાં રાજ્યના દરેક ગામડાઓને “નલ સે જળ યોજના” દ્વારા પાણી મળી રહે તે પ્રકારની સરકારની નેમ છે.

ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવા “વતન પ્રેમ” યોજના અમલમાં મૂકીને વતન પ્રેમીઓને જન્મભૂમિ, માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક પૂરી પાડી છે. જ્યારે વતન પ્રેમી યોજના દ્વારા સરકાર-દાતાઓ- ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસનો ત્રિવેણી સંગમ બની રહેશે, તેમ મંત્રી શ્રીમતી દવેએ ઉમેર્યુ હતું.


આ પ્રસંગે મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિક રૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ (ગૃહ પ્રવેશ) ના ૨૦ લાભાર્થીઓને આવાસની ચાવી અને ૨૦ લાભાર્થીઓને આવાસ યોજનાના ખાતમુહુર્તના ૨૦ લાભાર્થીઓને મંજુરી પત્રો એનાયત કરાયા હતા તદ્ઉપરાંત અંદાજે રૂ.૭૩.૫૦ લાખના ખર્ચે ૩ નવીન બસનું પણ લોકાર્પણ કરીને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું

અત્રે એ ઉલેખનીય છે કે આજના “વિકાસ દિવસ” નિમિતે જિલ્લામાં રૂ.૮૪ લાખના ખર્ચે ૯૦ લાભાર્થીઆને આવાસોની ચાવી સોંપવાની સાથે રૂ.૧૩.૨૩ કરોડના ખર્ચે ૪૪૧૦ લાભાર્થીઆના આવાસ મંજુર કરાયા છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નિમિત્તે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમના ઓનલાઇન માધ્યમ થકી કરાયેલા જીવંત પ્રસારણ નિહાળવાની સાથે પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના સુશાસન નિમિત્તે ફિલ્મ નિદર્શન પણ ઉપસ્થિત સહુ કોઇએ નિહાળ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા