વિશ્વ આરોગ્ય દિવસે આરોગ્યલક્ષી પહેલ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મહેસાણાના બેચરાજી ખાતેથી સેન્ટરનું ડિજીટલ લોકાર્પણ કર્યું
જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરની સુવિધા ઊભી થતાં જંબુસર, આમોદ, વાગરા સહિતના વિસ્તારના દર્દીઓ લાભાન્વિત થશે
ભરૂચઃ તા.૭ મી એપ્રિલ “વિશ્વ આરોગ્ય દિવસ”ના અવસરે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે આઈ.કે.ડી.આર.સી.- અમદાવાદ સંચાલિત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યમાં કુલ અત્યાધુનિક ૧૧ ડાયાલિસીસ સેન્ટરના ઈ-લોકાર્પણ સાથે સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-જંબુસર ખાતે અદ્યતન ડાયાલિસીસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મહેસાણાના બેચરાજી ખાતેથી ડિજીટલ લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વર્ચ્યુઅલી જોડાયા હતાં.
આ પ્રસંગે સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી સંજયભાઈ સોલંકી, પૂર્વમંત્રી છત્રસિંહ મોરી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી, પ્રાંત અધિકારી આદર્શ રાજેન્દ્રનની પ્રેરક ઉપસ્થિતિમાં ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ અને પુર્વ મંત્રી છત્રસિંહ મોરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જંબુસર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટર શરૂ થતાં જંબુસર, આમોદ, વાગરા સહિત આજુબાજુના વિસ્તારના દર્દીઓને હવે ડાયાલિસીસ કરાવવા મોટા શહેરોમાં જવું નહિં પડે.
રાજ્યમાં ૩૦ થી ૪૦ કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરવાનું આયોજન સરકારે હાથ ધર્યું છે. જે સફળ થતાં કિડની સંબંધિત બિમારી ધરાવતા અને ડાયાલિસિસની જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે ડાયાલિસિસ કેન્દ્રની સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં રાજ્ય સરકાર દ્વારા અમલી આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી આપી હતી.
આ તકે જંબુસર ખાતે ત્રણ બેડ ધરાવતા ડાયાલિસીસ સેન્ટરને મહાનુભાવો દ્વારા રિબીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સૌએ સેન્ટરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સરાહના કરી હતી. આ વેળાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત ઈ-લોકાર્પણ કાર્યક્રમનું સૌએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. પ્રારંભે સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. એ. એ. લોહાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર શહેર અને તાલુકાના આગેવાન પદાધિકારીઓ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ: મનિષ કંસારા