જામનગરના મેયર બીનાબેન કોઠારીના હસ્તે જામનગર આઇટીઆઇના નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ.



નિર્ણયાત્મક, પારદર્શક સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા નવ દિવસીય સેવાયજ્ઞ દ્વારા વિકાસલક્ષી અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા સુસાશનનાં પાંચ વર્ષ દરમિયાનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં આજે સાતમા દિવસે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર આઇટીઆઇ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મલ્ટીસ્ટોરે આઇ.ટી.આઇ. બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજરોજ દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને જામનગર ખાતે મેયરશ્રી બીનાબેન કોઠારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ તકે મેયર શ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસ તરફ આગળ વધાર્યું તો પાંચ વર્ષ દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની સરકારે ગુજરાતને વિવિધ ક્ષેત્રે પ્રથમ હરોળ પર લાવી વિકાસનો વેગ વધાર્યો છે. દરેક વર્ગની ચિંતા સરકારે કરી છે, ત્યારે વિદ્યાર્થીઓના કૌશલ્યના નિર્માણ હેતુ દરેક વિદ્યાર્થીને યુનિક સમજી સરકાર તેમનો વિકાસ કરવા પ્રતિબધ્ધ છે. દરેક વિદ્યાર્થી એબિલિટી, પારિવારિક સ્થિતિ કે શોખના વિષયથી અલગ હોય છે ત્યારે દરેક યુવાનને રોજગાર સાથે સ્વવિકાસની તક મળે તે માટે સરકાર કૌશલ ભારત યોજના અંતર્ગત આઇટીઆઇના વિદ્યાર્થીઓને કૌશલ્ય નિર્માણમાં સહાયક બની રહી છે.
ગુજરાત રાજ્યનો વિકાસ દર અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે ત્યારે આઇટીઆઇના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપી રાજ્યને અને દેશને વિશ્વ સ્તરે અગ્રીમ હરોળમાં સ્થાન અપાવવા યુવાધનને આગળ વધવા મેયર શ્રી બીનાબેન કોઠારીએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આઇટીઆઇના નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર અને જામનગરના અગ્રીમ ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓના હુનરથી દેશ ઝળકી ઊઠી શકે છે. આઇ.ટી.આઇ પછી શું તે સમજીને વિદ્યાર્થીઓને પોતાના ધ્યેય સાથે આગળ વધવા સરકાર મદદરૂપ બની રહી છે. જામનગર ખાતે ૨૭ જેટલા ટ્રેડમાં પ્રવેશ આપી યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવે છે ત્યારે યુવાનો પણ ધ્યેય સાથે આગળ વધે તો રાષ્ટ્રના વિકાસમાં ક્યારેય કોઈ ઓટ આવી શકે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર ખાતે ૨૦.૦૭ કરોડના ખર્ચે મલ્ટીસ્ટોરે આઇ.ટી.આઇ બિલ્ડિંગનું નિર્માણ થયેલ છે. જેમાં વર્કશોપ રૂમ, ક્લાસરૂમ, અન્ય રૂમ તથા દરેક ફ્લોર પર ગર્લ્સ અને બોયઝના અલગ અલગ રૂમ તથા ટોયલેટ બ્લોક હેન્ડીકેપ અને સ્ટાફ રૂમ, પાર્કિંગ, ગાર્ડન સહિત વ્યવસ્થાનું નિર્માણ કરેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગના જામનગર વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર શ્રી કટારમલએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને દરેક ફ્લોર પર વર્કશોપ સાથે વેન્ટિલેશનયુકત વાતાવરણ મળી રહે તે પ્રમાણે વર્કશોપ રૂમનું નિર્માણ કરાયું છે. સંપૂર્ણ બિલ્ડીંગ ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે, સાથે જ બિલ્ડિંગમાં એક ઇન્ડોર જીમ, સેમિનાર હોલ, આર.ઓ.પ્લાન્ટ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ તથા જનરેટર બેકઅપની વ્યવસ્થાઓ પણ નિર્મિત કરવામાં આવી છે. વળી દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખીને હેન્ડીકેપ ટોયલેટ, રેમ્પ બનાવવામાં આવ્યા છે. આમ આ બિલ્ડિંગમાં ચાર માળનાં બાંધકામમાં ૪૫ વર્કશોપ, ૩૫ ક્લાસ રૂમ તથા ૧૪ અન્ય રૂમો બનાવવામાં આવેલ છે.
કાર્યક્રમ સ્થળે ભારત સરકારના ગૃહમંત્રીશ્રી અમિત શાહ તથા પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડયા, દંડકશ્રી કેતનભાઇ ગોસરાણી, કોર્પોરેટરશ્રીઓ સોનલબેન કણઝારીયા, તૃપ્તિબેન ખેતીયા, પ્રાંત અધિકારી શ્રી ગ્રામ્ય અક્ષય બુડાનિયા, મદદનીશ નિયામક રોજગાર કુ. સાંડપા, આઇ.ટી.આઇ આચાર્યશ્રી એમ.એમ.બોચીયા, આઇ.આઇ.એમ. બેંગલોરના મહાત્મા ગાંધી નેશનલ ફેલો જાનવી રાજા, આઇટીઆઇના અન્ય કર્મીઓ તથા બહોળી સંખ્યામાં આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/3-fDUH9MdZ0