જામનગરના ૧૭૭ એફ.પી.એસ કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નોત્સવ દિવસની ઉજવણી કરાઈ, લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરાઈ*


◼️જામનગરના ૧૭૭ એફ.પી.એસ કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ

◼️સરકારે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં વિકાસાત્મક પરિવર્તન થયું છે*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓના લોકોને મળતા લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
જેમાં આજે ત્રીજા દિવસે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ધનવંતરી હોલ ખાતે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સૌરભભાઇ પટેલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. સરકારે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં વિકાસાત્મક પરિવર્તન થયું છે. સરકારે લોકોને પીવાના પાણી માટે સૌની યોજના અને કેનાલો દ્વારા ઘેર ઘેર નર્મદાનું પાણી પહોંચાડ્યું, તો વીજળી માટે જ્યોતિગ્રામ યોજના બાદ ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના થકી હાલ પાંચ હજાર ગામોને દિવસે વીજળી મળતી થઇ છે અને ૨૦૨૨ સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતને દિવસે વીજળી મળશે તેવી વ્યવસ્થાનું નિર્માણ થઇ રહ્યું છે. ગામડાનું અર્થતંત્ર બેઠું થાય તે માટે ટેકાના ભાવે સારી ખરીદી અને ખેડૂતોના ખાતામાં દર વર્ષે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કલાઇમેટ ચેન્જએ સમગ્ર વિશ્વ સામે ઊભો થયેલો પડકાર છે અને રિન્યુએબલ એનર્જી એ સમયની માંગ છે. જેમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે ગુજરાત દેશમાં અન્ય રાજ્યોનું નેતૃત્વ કરી મોખરે રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ઇ-વ્હીકલના પ્રારંભ અને પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતમાં ખાતમુહૂર્ત થયેલ ૩૦૦૦ મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક સાથે પ્રદૂષણમુક્ત ગુજરાત બનાવવાની નેમ પણ આ સરકારે લીધી છે.
પ્રધાનમંત્રીશ્રીએ કોરોનાના મુશ્કેલ કાળમાં પણ નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે ખાસ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી વિનામૂલ્યે અનાજ વિતરણ કરી કોઈ પણ નાગરિકને અનાજની કટોકટી ન થાય તેનો ખ્યાલ રાખ્યો છે. તો ગુજરાત ‘વન નેશન વન રાશનકાર્ડ’ યોજના લાગુ કરનાર મોખરાનું રાજ્ય બન્યું છે. અનેક વિકાસ કાર્યો સાથે દરેક વર્ગનું ધ્યાન રાખી ગુજરાત મોડેલ રાજ્યનું સ્થાન પ્રાપ્ત કરી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ સરકારની વિવિધ યોજનાઓ થકી રાજ્યના અને જામનગરના વિકાસની આછેરી ઝલક આપી હતી તેમજ યોજનાઓના લાભો થકી રાજ્યમાં નિર્મિત થયેલી વ્યવસ્થાનો દરેકને લાભ મળે અને તેના થકી વિકાસની નવી પરિભાષાને ઉચ્ચ શિખર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રધાનમંત્રીશ્રીએ આ યોજનાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અન્નોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના દાહોદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. જામનગર ખાતે કાર્યક્રમના અંતે ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતીકરૂપે ૨૦ લાભાર્થીઓને રાશનકીટ અર્પણ કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ફેઝ- ૧ અને ૨ અંતર્ગત કોરોના કાળમાં એપ્રિલથી નવેમ્બર-૨૦૨૦ આઠ માસ દરમિયાનમાં જામનગર જિલ્લાના ૫૯.૫૪ લાખ લાભાર્થીઓને કુલ ૨૦ હજાર ૫૮૦ મે.ટન ઘઉં, ૮ હજાર ૮૧૬ મે.ટન ચોખા અને ૧ હજાર ૭૧ મે.ટન ચણાનું વિતરણ કરાયું હતું. તદુપરાંત કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન-૨૦૨૧ બે માસ દરમિયાન જામનગર જિલ્લાના સરેરાશ ૧૬ લાખ લાભાર્થીઓને ૫ હજાર ૧૪૪ મે.ટન ઘઉં, ૧ હજાર ૭૧ મે.ટન ચોખાનું વિતરણ કરાયું હતું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ફેઝ-૪ હેઠળ વધુ પાંચ માસ માટે આ યોજનાનો લાભ લંબાવવામાં આવેલ છે જે નવેમ્બર ૨૦૨૧ સુધી લોકોને આપવામાં આવશે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રીઓ મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટરશ્રી સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી વસ્તાણી, પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મકવાણા તથા બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/okCqeWm_xw0