મુખ્યમંત્રીવિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે


કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ

નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીના પૂર્વ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક

રાજપીપલા,તા.3

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તા.૧ લી ઓગષ્ટથી તા.૯ મી ઓગષ્ટ,૨૦૨૧ સુધી પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ સૌનો વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે હાથ ધરાનારા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘઢી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે “ ટીમ નર્મદા “ ને અનુરોધ કર્યો છે.
રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને શ્રી દિપક બારીયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજશ ચૌધરી, તાલુકા મામલતદાર સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે ઉજવણીના પૂર્વ આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, “પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ,સૌનો વિકાસના” અંતર્ગત આગામી તા.૧ લી ઓગષ્ટે “જ્ઞાનશક્તિ દિન“ અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તેજ રીતે તા.૨ જી ઓગષ્ટે સેવા સેતૂ કાર્યક્રમોના આયોજન થકી “સંવેદના દિન” અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા.૪ થી ઓગષ્ટે મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી “મહિલા સશક્તિકરણ દિન” નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે. તા.૫ મી ઓગષ્ટે કિસાન સૂર્યોદય યોજના-સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને “ધરતીપુત્ર સન્માન દિન” ના કાર્યક્રમો કરાશે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા.૬ ઓગષ્ટે “યુવા શક્તિ દિન” અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યક્રમો યોજાશે. તા.૭ મી ઓગષ્ટે “ગરીબ ઉત્કર્ષ દિન” અંતર્ગત વિકાસની ચાલી રહેલી અવિરત પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા.૮ મી ઓગષ્ટે “શહેરી જન સુખાકારી દિન” અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા.૯ મી ઓગષ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે.
નર્મદા જિલ્લામાં ઉક્ત ઉજવણી દરમિયાન જુદા જુદા દિવસોએ જિલ્લાકક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જે તે નોડલ અધિકારીઓને સોંપાયેલી કામગીરી-જવાબદારીઓ સુપેરે નિભાવવા માટે પૂરતી કાળજી અને તકેદારી રાખવાની જિલ્લા કલેક્ટર શાહે હિમાયત કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા