રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટર શાહે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો
મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા કટિબધ્ધ થઇ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન
સ્વતંત્રતા ચળવળ અને દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ” ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ
સાસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની કૃતિઓ અને હર્ષ ધ્વની (VOLLEY FIRING ) એ જન્માવેલું ભારે આકર્ષણ
ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરનાર રમતવીરો તેમજ આરોગ્ય અને ૧૦૮ એમ્બ્યુલન્સમા વિશિષ્ટ સેવાઓ આપનાર કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે અભિવાદન અને પ્રશસ્તિપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં
રાજપીપલા,26
રાષ્ટ્રના ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ શાહે જિલ્લા પોલીસ અધિકારી
હિમકરસિંહની સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સૂરાવલીની ધૂન વચ્ચે પોલીસ, હોમગાર્ડ, એસ.આર.ડી અને જી.આર.ડી સહિતની પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને આ પ્લાટુનોની માર્ચપાસ્ટની તેમણે સલામી ઝીલી હતી. મહાનુભાવો, જિલ્લાવાસીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે “ મા ” ભારતી ના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ મા ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ. આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે દેશની સ્વતંત્રતા ચળવળ અને દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના ઉલ્લેખ સાથે આઝાદીની લડતના સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, ૧૮૫૭ થી સ્વતંત્રતાની લડત શરૂ થઇ હતી. સ્વાધીનતા મેળવવા માટે હજારો લોકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તાત્યા ટોપે અને અનેક મહાન વ્યક્તિઓ સહિત દરેક ભારતીયો સ્વતંત્રતાની લડતમાં જોડાઇને માથે કફન બાંધીને દેશ માટે પોતાની આહૂતિ આપવા કુદી પડયાં હતાં. ઝાંસીની રાણીની બહાદુરી સામે બહાદુરશાહ ઝફરને પણ હથિયાર મૂકી દેવા પડયાં હતા. રાજારામ મોહનરાય,ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સરોજીની નાયડુ, દાદાભાઇ નવરોજી જેવા અનેક વીરો અને વિરાંગનાઓએ ભારતમાં જન્મીને પોતાના વતન માટે જીવન અર્પિત કર્યું હતું. લોકમાન્ય તિલકના “ સ્વરાજ મારો જન્મ સિધ્ધ અધિકાર છે ” ના સૂત્રએ ભારતના જન જનને જગાડ્યો અને દેશમાં અને દેશની બહાર વસેલા હજારો ભારતીયોમાં ક્રાંતની ભાવના ફૂંકી હતી.
સ્વાતંત્ર ચળવળકારોમાં ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધિંગરા, ઉધમસિંહ ગોપાલકૃષ્ણ ગોખલે અને મંગલપાંડે સહિતના અનેક ક્રાતિકારીઓએ આ દેશ માટે પોતાની આહુતિ આપી હોવાને લીધે આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઇ રહ્યાં છીએ, તેમ શાહે વધુમાં ઉમેર્યું હતું.
શાહે જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની રચના કરીને દેશની એકતા-અખંડિતતા અને સંપ્રભૂતાનો મજબૂત પાયો નાખ્યો હતો. તા.૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ માં ભારત સરકારના અધિનિયમ ૧૯૩૫ ને હટાવીને ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું અને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલીની સાથે તેને લાગુ કરાયું હતું. અખંડ ભારતના શિલ્પી સરદાર વ્લ્લભભાઇ પટેલ સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતના નિર્માણની સાથે રાષ્ટ્રીય એકતાની બેનમૂન મિશાલ સમગ્ર વિશ્વમાં કાયમ કરી છે. જુદા જુદા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ બોલીઓ, ભાષાઓ, રહેણીકરણી, રિતરિવાજો અને આનંદ-ઉમંગ-ઉલ્લાસ સાથે કરાતી વિવિધ તહેવારોની ઉજવણી થકી પણ ભારતે સમગ્ર વિશ્વમાં “ વિવિધતામાં એકતા અને એકતામાં અનેકતા ” ની મિશાલ પ્રસ્થાપિત કરી છે.
જિલ્લા કલેક્ટર શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બનવાની સાથે કટિબધ્ધ થઇ આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવાનું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તરફથી દેશભક્તિના ગીતોની કૃતિઓ રજૂ થઇ હતી, જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાઓને જિલ્લા વહિવટીતંત્ર તરફથી રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્રો અને શિલ્ડ એનાયત કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયાં હતા. તદ્ઉપરાંત, ખેલકૂદ ક્ષેત્રે ખેલમહાકુંભમાં વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરનારા રમતવીરોને તેમજ આરોગ્ય વિભાગ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં વિશિષ્ટ સેવાઓ આપનાર કર્મયોગીઓની કામગીરી બિરદાવીને મહાનુભાવોના હસ્તે અભિવાદન અને પ્રશસ્તિપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતા. આ પ્રસંગે પોલીસ જવાનો તરફથી રજૂ થયેલ હર્ષ ધ્વની (VOLLEY FIRING) અને સાંસ્કૃતિક કાર્યક્રમની દેશભક્તિની કૃતિઓએ ભારે આકર્ષણ જન્માવ્યું હતું.
આ પ્રસંગે રાજવી પરિવારના રઘુવિરસિંહજી ગોહિલ અને માનવેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સાંસદ રામસસિંહભાઇ રાઠવા, જિલ્લા પોલીસ અધિકક્ષક હિમકરસિંહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડીંડોર, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણીઓ, સમાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શાળાના બાળકો, નગરજનો, જિલ્લાવાસીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. ધ્વજવંદન સમારોહના અંતમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ અને અન્ય મહાનુભાવોના હસ્તે સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા