ગોધરાના MLAને ધમકી આપનારા શખ્સને SDMએ 2 વર્ષ માટે તડીપાર કર્યો. દેશમાં લોકશાહી છે, SDM મનમાની ના કરી શકે: હાઇકોર્ટ.


હાઇકોર્ટે SDMની કામગીરીની ટીકા કરી કહ્યું કે શું પ્રજાને સવાલ પૂછવાનો પણ હક્ક નથી?


ગોધરામાં પી.કે.ચારણ નામના એક વ્યક્તિએ પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓના નિકાલ માટે ગોધરાના MLA સી.કે.રાઉલજીને ફોન કરી ધમકી આપી હતી. જેને પગલે SDMએ તેને આસપાસના જિલ્લા અને શહેરમાંથી તડીપાર કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, SDM મનમાની કરી શકે નહીં, દેશમાં લોકશાહી છે.

પી.કે. ચારણ નામના આ શખ્સે MLAને ધમકી આપી હતી કે, અમારા મતોથી તમે ચૂંટણી જીતો છો. અમે જે કામો કહીએ તે કામો થવા જોઇએ, નહીંતર તમને અમારા ગામમાંથી નીકળવા દઇશું નહીં, ક્યારેક પતાવી દઇશું. આ ઉપરાંત અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ રીતે SDM મનમાની ન કરી શકેઃ હાઈકોર્ટ

આ ધમકીને પગલે MLAના દીકરા માલવદીપસિંહ ચંદ્રસિંહ રાઉલે ધમકી આપનારા શખ્સ પી.કે. ચારણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને જ્યારે મામલો ત્યાંના SDM(સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) પાસે પહોંચ્યો ત્યારે તેમણે આ વ્યક્તિને 2 વર્ષ માટે તેને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા શહેર અને ગ્રામ્ય, આણંદ અને ખેડા જિલ્લામાંથી તડીપાર કર્યો. જેથી પી.કે.ચારણે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટેના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે આજે હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જેમાં અરજદારની રજુઆત બાદ હાઇકોર્ટે કહ્યું કે આ ચલાવી ન લેવાય. આ દેશમાં લોકશાહી છે. આ રીતે SDM મનમાની ન કરી શકે. શું સામાન્ય નાગરિકને તેના જન પ્રતિનિધિને પોતાના વિસ્તારની સમસ્યા વિશે પૂછવાનો અધિકાર નથી?

હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, આપણે રજવાડા નથી ચલાવવાના. આ SDMની દાદાગીરી સહન ન કરી લેવાય તેને બદલવો જ પડે. સાથે પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે ઘૂંટણીયે પડી ગયું છે. લોકોને પ્રશ્ન પૂછવાનો પણ હક્ક નથી. શું આ લોકશાહી છે. આ તો કેવી વિચિત્ર ઘટના કહેવાય ધારાસભ્યને પ્રશ્ન પૂછે તો તેની સામે FIR? ધારાસભ્યએ આ બાબતે જવાબ આપવો પડશે કે આ કર્યું એ બરાબર છે અથવા આ તેને પ્રજાની વાત સાંભળવાની જવાબદારી છે તે કહેવું પડશે.