*ગુજરાત NCCના કેડેટ્સે કારગિલ યુદ્ધના નાયકોને પોતાની સર્જનાત્મકતા સમર્પિત કરી. ઉત્તરીય કમાન્ડના અધિકારી વાય.કે. જોશીએ ગુજરાત NCC કેડેટ્સની કરી પ્રશંસા.
અમદાવાદ: ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટર ખાતે યોજાયેલા એક નાના કાર્યક્રમમાં ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી, UYSM, AVSM, VrC, SM, ADC એ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખમાં લાઇન ઓફ કંટ્રોલ, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અને અંતરિયાળ પ્રદેશોમાં નિયુક્ત કરવામાં આવેલા જવાનોને પ્રેરિત કરવા માટે દેશભક્તિની ભાવના સાથે ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા લગભગ 30,000 કાર્ડ મેળવ્યા હતા. આ કાર્ડ્સ 20 જુલાઇ 2021ના રોજ ગુજરાત NCCના કર્મીઓના એસ્કોર્ટ સાથે ઉધમપુર ખાતે આવ્યા હતા અને ઉત્તરીય સૈન્ય કમાન્ડર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્ડ પ્રસ્તૂતિ કાર્યક્રમ દરમિયાન સંબોધન આપતી વખતે લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી, UYSM, AVSM, VrC, SM, ADC એ ગુજરાતના સામાન્ય લોકો અને ખાસ કરીને NCCના કેડેટ્સે નવતર અને આવિષ્કારી શૈલીમાં સરહદ પર તૈનાત જવાનોના સમર્થનમાં સમગ્ર દેશ દિલ અને આત્માથી તેમની સાથે જ છે તેવી ભાવના વ્યક્ત કરીને દેશભક્તિની લાગણી દર્શાવી તે બદલ સૌની પ્રશંસા કરી હતી. ઉત્તરીય કમાન્ડના સૈન્ય કમાન્ડરે બ્રિટીશ લેખક, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રીએ એક વખત કહેલા શબ્દો, “એક સાચો સૈનિક એટલા માટે નથી લડતો કે તેની સામે જે છે તેને નફરત કરે છે, પરંતુ એટલા માટે લડે છે તેની પાછળ જે છે તેને પ્રેમ કરે છે”, યાદ કર્યા હતા. સૈન્યના કમાન્ડરે કહ્યું હતું કે, “કોઇપણ સૈનિક યુદ્ધભૂમિમાં ફક્ત વિનાશ કરવા ખાતર નથી આવતો. તે કોઇ વસ્તુને કોઇના બંધનમાંથી મુક્ત કરાવવા માટે નહીં પરંતુ તે પોતે કોઇ સાથે બંધનથી બંધાયેલો છે એટલા માટે કૂચ કરે છે. ગુજરાત NCC નિદેશાલય દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ ભાવના અગ્ર મોરચે તૈનાત દરેક સૈનિકને ખાતરી કરાવશે કે, તેઓ જે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમજ તેઓ અને તેમનો પરિવાર દરરોજ જે બલિદાન આપે છે તેનાથી ભારતના નાગરિકો અજાણ નથી, ખાસ કરીને યુવાનો તેમના આ પ્રયાસો બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.”
17 જુલાઇ 2021ના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાત NCC નિદેશાલયના NCC કેડેટ્સે અધિક મહા નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના સમર્થ નેતૃત્વમાં તૈયાર કરેલા લગભગ 30,000 કાર્ડ્સનો જથ્થો રવાના કર્યો હતો. આ કાર્ડ્સ કારગિલ યુદ્ધના શહીદોની સ્મૃતિમાં તેમને સમર્પિત કરવામાં આવ્યા છે. ઉત્તરીય સૈન્ય કમાન્ડરે આ પરિકલ્પના કરવા બદલ તેમજ કારગિલ યુદ્ધના નાયકોને સમર્થન આપવા માટે આ અભિયાન શરૂ કરવા બદલ મેજર જનરલ અરવિંદ કપૂરનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીએ 03 જુલાઇ 2021ના રોજ કારગિલ યુદ્ધના નાયકો અને કારગિલ અને દેશની સરહદો પર હાલમાં નિયુક્ત કરવામાં આવેલા જવાનો પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતિકરૂપે “કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર” નામના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કેડેટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા બિરદાવીને ‘સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ’(પ્રતિબદ્ધતા પ્રમાણપત્ર) પણ આપવામાં આવ્યું છે. આ કાર્ડ્સ એકતાની અવિનાશી ભાવનાની દિશામાં એક પગલું છે. આ એવી ભાવના છે જેના પર યોદ્ધાઓ ઓપરેશન વિજય દરમિયાન લાઇન ઓફ કંટ્રોલ પર શિખરોની ઊંચાઇઓ પર યુદ્ધ લડ્યા હતા.
ઉત્તરીય સૈન્ય કમાન્ડરે 17 જુલાઇ 2021ના રોજ કાર્ડ કરવાના કરવા માટે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કારગિલ યુદ્ધના નાયકોના માનમાં કહેલા શબ્દો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવતી આવી લાગણી જવાનો અને તેમના પરિવારજનોમાં ગૌરવની ભાવના લાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.