*કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે શ્રેષ્ઠ મેચ મેકિંગ કરાવતું કિડની હોસ્પિટલ (IKDRC). અત્યારસુધીમાં ૪૪૬ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

ભારતભરના લોકોએ અમદાવાદની (IKDRC)માં સ્વેપ ટ્રાન્સપ્લાન્ટનો લાભ લીધો*

જીએનએ: અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલ (IKDRC)માં કિડની સ્વેપ5 ટ્રાન્સપ્લાન્ટ માટે દાવેદારની જોડી બનાવવા મેચમેકરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવવામાં આવી રહી છે. દાતા અને દર્દી વચ્ચે સરળતાથી સુમેળ જળવાય તે માટે અત્યાર સુધીમાં કિડની હોસ્પિટલની અવિસ્મરણીય કામગીરી રહી છે.

આ સમગ્ર પ્રક્રિયા વિશે કિડની હોસ્પિટલ (IKDRC)ના નિયામક ડૉ. વિનીત મિશ્રા કહે છે કે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ તેવું જ છે જેમ કે બે અજાણ્યા લોકો એક ભાવિ વૈવાહિક મેળ માટે વ્યક્તિગત રૂપે મળ્યા બાદ પરસ્પર ગુના અને દોષને દુર કરે છે. દાતા અને દર્દીની જોડી પણ આ જ રીતે રૂબરૂ મળી એકબીજા સાથે વાત કરી શકે છે. એક બીજાના મેડિકલ રીપોર્ટની આપ-લે કરી શકે છે અને સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે આપસી સહમતી થાય તે પહેલા તેમના આરોગ્યના માપદંડો ચકાસી શકે છે.

સમગ્ર દેશમાં તેના દર્દી કેન્દ્રીત અને પારદર્શક પ્રક્રિયા અને વ્યાજબી ખર્ચે શ્રેષ્ઠત્તમ ટ્રાન્સપ્લાન્ટ પરિણામોના કારણે ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલ(IKDRC)ની પ્રાથમિક પસંદગી કરવામાં આવતા હોવાનું શ્રી મિશ્રાએ કહ્યુ હતુ. ગત સપ્તાહે હાથ ધરાયેલ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટના બે સેટમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુના દાતાઓ અને સંબંધોની જોડી હતી. આ સપ્તાહે આયોજિત સ્વેપ ટ્રાન્સપ્લાન્ટના અન્ય સેટમાં રાજસ્થાન અને ગુજરાતની જોડી હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.

સંભવિત મેળના ૫૦ લાક્ષણિકતાઓને મેચ મેકિંગ સોફ્ટવેરમાં નાંખ્યા પછી સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે બે શ્રેષ્ઠ મેળની પસંદગીની પ્રક્રિયાને ઇન્સ્ટિટ્યુટ દ્વારા સરળ કરી દેવામાં આવી છે. અમેરિકન નોબેલ વિજેતા એલ્વિન રોથ દ્વારા વિકસિત કરાયેલા સોફ્ટવેરના ઉપયોગના કારણે તેના દર્દીઓને નિ:શુલ્ક સેવા પૂરી પાડી શકાય છે.અમેરિકા જેવા દેશોમાં સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માટે મેચમેકિંગના ૩ લાખ જેટલો માતબર ખર્ચ થતો હોય છે જે આ ઇન્સ્ટિટ્યુટ માં વિનામૂલ્યે કરવામાં આવે છે.

કિડની હોસ્પિટલ(IKDRC) દ્વારા અત્યારસુધીમાં ૪૪૬ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશની અન્ય સંસ્થાઓમાં દર વર્ષે સરેરાશ ૧૦ થી ૧૫ જ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ત્યારે ૫૦-૬૦ ટ્રાન્સપ્લાન્ટની સરેરાશ જાળવી રાખવા (IKDRC) કટિબધ્ધ છે.

*શું છે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ…*

વ્યક્તિમાં કિડનીનું સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય પરંતુ જીવંત દાતાનું બ્લડગ્રુપ અથવા હ્યુમન લિમ્ફોસાઇટ એન્ટિજન(એચએલએ) જે સગા-સંબંધી માટે બંધબેસવુ જરૂરી બની રહે છે તે દર્દી સાથે મેળ ન થતો હોય ત્યારે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સુનુશ્ચિત કરવું ખૂબ જ જરૂરી બની રહે છે. આવા કિસ્સાઓમાં કેટલાક દર્દીનું અન્ય દર્દીઓની સાથે બ્લડ ગ્રુપ અથવા એચ.એલ.એ. મેચિંગ માંગવામાં આવે છે. બંને તરફના દાતા અને દર્દીઓની સંમતિ બાદ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તે પહેલા ક્રોસ મેચિંગ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણપણે બંધ બેસતુ થાય તે ખૂબ જ લાંબી પ્રક્રિયા છે.

આ સમગ્ર પ્રક્રિયાને કાયદાકીય માળખા હેઠળ જાળવી રાખવા માટે દાતાઓ- દર્દીઓની લાંબા સમય સુધી ચાલતી કાઉન્સેલિંગની પ્રક્રિયા અને ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ ના કાર્યક્ષેત્ર હેઠળ મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.