પોર્ટબ્લેર ખાતે INHS ધન્વંતરીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પોર્ટબ્લેર ખાતે INHS ધન્વંતરીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ: પોર્ટબ્લેર ખાતે ભારતીય નેવલ હોસ્પિટલ INHS ધન્વંતરીમાં 19 જુલાઇ 2021ના રોજ આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ (CINCAN) લેફ્ટેનન્ટ જનરલ અજઇસિંહના હસ્તે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે આંદામાન અને નિકોબારના ટાપુઓ પર મેડિકલ અને સહાયક સુવિધાઓમાં વૃદ્ધિ કરવા માટે આ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી આંદામાન અને નિકોબાર કમાન્ડ દ્વારા મેસર્સ ITD સીમેન્ટેશન ઇન્ડિયા લિમિટેડ મારફતે કરવામાં આવી હતી જેઓ આ કમાન્ડ ખાતે મોટી સમુદ્રી માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું કામ કરે છે.કંપનીએ આ કાર્ય પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) પહેલ હેઠળ કર્યું હતું. કોવિડ-19ના કારણે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે તેવી સ્થિતિ વચ્ચે પણ, ચેન્નઇથી નવો ઓક્સિજન પ્લાન્ટ ખરીદવામાં આવ્યો છે અને ખૂબ ટૂંકા સમયમાં INHS ધન્વંતરી ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સુવિધા હોસ્પિટલની અંદરની ફક્ત આંતરિક/ઇન-હાઉસ સુવિધા તરીકે રહેશે જેમાં હોસ્પિટલ માટે મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. આનાથી નિર્દિષ્ટ બેડને ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે અને આ પ્રકારે આંદામાન અને નિકોબારના ટાપુઓને કોવિડ-19 મહામારી સામે લડવામાં ખૂબ મોટી સહાય પ્રાપ્ત થશે અને નોંધપાત્ર પ્રમાણમાં તેની આત્મનિર્ભરતા વધશે. આંદામાન અને નિકોબાર પ્રશાસનના કમાન્ડર કમ સચિવ (આરોગ્ય) શ્રી ડૉ. વી. ચંદાવેલૌ; આંદામાન અને નિકોબાર ટાપુઓના નિદેશક (આરોગ્ય) ડૉ. ઓમકારસિંહ; મેસર્સ ITD સીમેન્ટેશન ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટ હેડ શ્રી અંજન હલ્દેર અને ANCના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.