રૂા.૮ લાખના ખર્ચે જન સેવા કેન્દ્ર સહિત ૮ જેટલાં એક્વા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખૂલ્લી મૂકાઇ

રાજપીપલા ખાતે જિલ્લા સેવા સદનમાં રૂા.૮ લાખના ખર્ચે જન સેવા કેન્દ્ર સહિત ૮ જેટલાં એક્વા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખૂલ્લી મૂકાઇ

મુલાકાતી અરજદારો-સરકારી અધિકારીઓ/કર્મચારીઓને ૩૫૦ થી ૫૦૦ જેટલાં TDS સાથેના પીવાના પાણીની સુવિધાને લીધે પાણીનો ઉપયોગ કરનાર લોકોની આરોગ્ય-જનસુખાકારી જળવાશે

રાજપીપલાતા 20

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરાલય સહિત જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન ખાતેના કાર્યાલય વગેરે માટે હાથ ધરાયેલા વોટર સેનિટેશન પાયલોટ પ્રોજેક્ટ અન્વયે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનઅને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ,
Lશહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ,રાજેન્દ્રભાઇ પટેલ અને નીલ રાવ સહિત જિલ્લાના પાણી પુરવઠા અને માર્ગ-મકાન વિભાગના ઇજનેરશ
ઓ વગેરેની ઉપસ્થિતિમાં કલેક્ટરાલયના જન સેવા કેન્દ્ર સહિત કુલ-૮ એકવા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખૂલ્લી મુકવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર્યરત જન સેવા કેન્દ્ર ખાતે આવતા મુલાકાતીઓ માટે પણ વોટર કુલરની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે આ આઠ વોટર કુલર પૈકી પાંચ નવા વોટર કુલર ઉપરાંત ત્રણ જૂના વોટર કુલરને દુરસ્તી સાથે પુન: કાર્યાન્વિત કરવામાં આવ્યાં છે. જિલ્લા સેવા સદનમાં કલેક્ટર કચેરી સહિત જુદી જુદી ૩૪ જેટલી કચેરીઓના આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલાં અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ રોજના અંદાજે ૧૦૦ થી ૨૦૦ જેટલાં આવતા મુલાકાતીઓ માટે આ સુવિધા મારફત ૩૫૦ થી ૫૦૦ જેટલાં TDS વાળા પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોની આરોગ્ય અને જનસુખાકારી પણ જળવાઇ રહેશે. આ અગાઉ જુદી જુદી કચેરીઓ દ્વારા રોજે રોજ મિનરલ વોટર પાણીના જગ માટે થતા વાર્ષિક આશરે ૧૦ લાખ રૂપિયાના ખર્ચની પણ હવે બચત થશે.

આગામી સમયમાં બોરવેલના પાણીના બદલે જીતનગરથી પસાર થતી લાઇનમાંથી અલગથી નવીન ડેડીકેટેડ પાણીની પાઇપ લાઇનથી તેનું જોડાણ સીધુ જ કલેકટર કચેરીમાં તથા કલેકટર નિવાસ સ્થાનમાં અંદર ગ્રાઉન્ડ વોટર સમ્પ સાથે કરવામાં આવશે. જેથી કરજણ ડેમનું કલોરીનેશન સાથેનું યોગ્ય TDS વાળું શુધ્ધ પાણી મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુવિધા અગાઉ પીવાના પાણીની જુની પધ્ધતિ મુજબ દર વર્ષે અંદાજિત રૂા.૧૦ લાખના ખર્ચ મુજબ પાંચ વર્ષના અંદાજે રૂા.૫૦ લાખ થાય છે, જયારે વોટર સેનીટેશનના આ પાયલોટ પ્રોજેકટની સમગ્ર કામગીરી અંદાજે રૂા.૮ લાખના ખર્ચે પૂર્ણ થયેલ છે અને પાંચ વર્ષ માટે નિભાવ કોન્ટ્રાકટ (AMC) રૂા.૨ લાખમાં થનાર છે. એટલે અંદાજે કુલ રૂા.૧૦ લાખના ખર્ચ સામે હવે પાંચ વર્ષમાં રૂા.૪૦ લાખની બચત થશે.

માત્ર ૧૫ દિવસના ટૂંકાગાળામાં જ લાંબાગાળાના આયોજન સાથે પૂર્ણ થયેલી આ નમૂનારૂપ કામગીરી માટે વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વિનોદ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આઇ.વી.પટેલ, કલેકટરાલયના જનસંપર્ક અધિકારીશ્રી એચ.કે.ગઢવી અને ઇન્ચાર્જ નાયબ મામલતદારશ્રી જે.એસ.જોષી વગેરેએ જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત ઉઠાવી હતી.

જિલ્લા સેવા સદનમાં જન સેવા કેન્દ્ર ખાતે વોટર કુલર સાથે ખૂલ્લી મુકાયેલી પીવાના પાણીની સુવિધા બાદ માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓના ૨૦૦ થી ૩૦૦ જેટલાં કર્મચારીઓ અને સેવા સદન ખાતે ૧૦૦ થી ૨૦૦ લોકો-મુલાકાતીઓ આવતા હોય છે તેમને પણ આ સુવિધા મળી રહેશે. આ અગાઉ અંદાજે વાર્ષિક રૂા.૧૦ લાખ જેટલો ખર્ચ થતો હતો, જ્યારે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ફક્ત ૮ લાખ રૂપિયાનાં ખર્ચથી સુવિધા કરવામાં આવી છે એના કારણે વાર્ષિક જે રૂા.૧૦ લાખ ખર્ચ થતો હતો તેમાં પણ બચત થશે અને પાંચ વર્ષ માટે મેઇન્ટેનન્સના ભાગરૂપે રૂા.૨ (બે) લાખ જેવો ખર્ચ થશે. આ જે સુવિધા આપવામાં આવી છે એના લીધે ખરેખર આ લોકોને-કર્મચારીઓને સ્વાસ્થ્યની રીતે પણ ખૂબ જ સારૂં રહેશે, તેમ જણાવી જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ માટે તેમણે ઉક્ત સુવિધા ઉપલબ્ધિ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા