ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોની દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં ક્ષમતા નિર્માણ માટે પીડીલાઈટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરનું સંયુક્ત જોડાણ



ભાવનગર: પીડીલાઇટ સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર- મણાર અને ગ્રામ દક્ષિણામૂર્તિ ખાતે સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન, દરિયાઈ શેવાળ વિભાગના પ્રભારી ડો. વૈભવ મંત્રી તથા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોની દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણનો હતો. જેમાં ૧૦૦ થી વધુ માછીમારો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં પીડીલાઈટ કંપનીના ઉપ પ્રમુખ ડો. પી.કે. શુક્લ પણ હાજર રહ્યાં હતાં. ઉપરાંત દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા પ્રખ્યાત શ્રી પ્રવિણભાઈ મહેતા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના નિયામકશ્રી સુરસંગભાઇ ચૌહાણ તથા આચાર્યશ્રી ડાહ્યાભાઇ ડાંગર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ખેડૂતોને સંબોધિત કર્યા હતાં.

પીડીલાઈટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના સહયોગથી ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોનું દરિયાઈ શેવાળની ખેતીની દ્વારા આવક વધારવાનું કાર્ય હાથ ધરવામાં આવશે.
જેમના માટે આ બંને સંસ્થાઓ એ કરાર કરી માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતો માટે એક ઐતહાસિક યુગની શરૂઆત કરી. આ સૂવર્ણ તકે સેન્ટ્રલ સોલ્ટના નિયામક ડો. કન્નને ખેડૂતો તથા માછીમારોને સંબોધિત કર્યા હતાં અને તેમનામાં એક નવી જોશની લહેર ઉભી કરી હતી. એમના સંબોધનમાં તેમને ગુજરાતમાં શેવાળની ખેતીના અવકાશ તથા ફાયદાઓ જણાવ્યાં ઉપરાંત તેમને આશા વ્યક્ત કરી કે, વધુ ને વધુ માછીમાર પરિવાર આ પ્રવૃત્તિનો લાભ લે અને આગળના સમયમાં સૌ નિષ્ણાંત બને અને પોતાની આવકમાં વધારો કરે.

પીડીલાઈટ કંપનીના ઉપ પ્રમુખ ડો. પી.કે. શુક્લએ પણ માછીમારો તથા ખેડૂતોને સંબોધિત કરી પીડીલાઈટ કંપની દ્વારા સૌરાષ્ટ્રની જનતાના લાભાર્થે થઇ રહેલા કાર્યોથી માહિતગાર કરી વધુને વધુ લાભ લેવા પ્રેરિત કર્યા.

સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન અને તેમની ટીમ દ્વારા પીડીલાઇટના આર્થિક સહયોગથી સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રના કૃષિ – બાગાયતી પાકો તથા નવી-નવી તક્નીકો અને આર. એન્ડ ડી. પ્રયોગશાળાની મુલાકાત લેવામાં આવી હતી.

ડો. એસ. કન્નન અને તેમની ટીમ દ્વારા કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રના પ્રભારી ડો. વિરેન્દ્રસિંઘ ચૌહાણના કામોની ખૂબ સરાહના કરવામાં આવી તથા ખેડૂતો માટે કાર્યરત આ કેન્દ્રની નવી-નવી તકનીતિઓથી તેઓ ખૂબ જ પ્રસન્ન થયાં અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.