ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 30 હજાર કાર્ડ્સ અમદાવાદ NCC હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયરએ કારગીલ માટે રવાના કર્યા.




અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન, ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય હાથ ધરીને પાકિસ્તાની સૈન્યના ઘુસણખોરોને તગેડી મૂક્યા હતા અને ટાઇગર હિલ તેમજ અન્ય પોસ્ટ પર કબજો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. કારગિલ વિજય દિવસની 22મી વાર્ષિક તિથિ 26 જુલાઇ 2021ના રોજ દ્રાસ ખાતે બનાવવામાં આવેલા કારગિલ યુદ્ધ સ્મારક પર વીર શહીદોને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમજ અન્ય વિવિધ સ્મૃતિ અને ગૌરવપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવવામાં આવશે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણીનો પ્રારંભ કરવા માટે, કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા તમામ શહીદોની સ્મૃતિમાં ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા અંદાજે 30,000 કાર્ડ્સ જાતે તૈયાર કરવામાં આવ્યા છે. કારગિલ યુદ્ધમાં ભારતના વિજયની 22મી વાર્ષિક તિથિને ધ્યાનમાં રાખીને “કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર” શીર્ષક હેઠળ 03 જુલાઇ 2021ના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવેલા #EkMaiSauKeLiye અભિયાનના તબક્કા-5ના ભાગરૂપે આ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ તબક્કામાં 04 થી 15 જુલાઇ 2021 દરમિયાન, ગુજરાતના NCCના કેડેટ્સ દ્વારા અંદાજે 30,000 કાર્ડ જાતે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમના દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી સંખ્યામાં સંદેશા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં આપણા સશસ્ત્ર દળોના જવાનોએ પોતાના દેશવાસીઓની સુખાકારી માટે કામ પ્રત્યે કટિબદ્ધતા દાખવીને આપેલા બલિદાન અને તેમના શૌર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કાર્ડ્સ ગમે તેવી વિપરિત પરિસ્થિતિઓમાં પણ સતત રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરનારા શહીદોની સ્મૃતિ તેમજ શસસ્ત્ર દળના જવાનો પ્રત્યે યુવાન કેડેટ્સનો આદરભાવ વ્યક્ત કરવાનું માધ્યમ છે.

અગાઉ 17 જુલાઇ 2021ના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં, ગુજરાતના આદરણીય મંત્રી શ્રી વિજય રૂપાણીએ કેડેટ્સ દ્વારા જાતે તૈયાર કરાયેલા આ કાર્ડ્સના જથ્થાને રવાના કર્યો હતો. આ પ્રસંગે સંબોધન આપતા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જાતે બનાવેલા કાર્ડ્સના માધ્યમથી રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રવાદની લાગણી વ્યક્ત કરવા માટે ગુજરાતના NCCના કેડેટ્સે કરેલા પ્રયાસનો બિરદાવ્યા હતા.

NCC કેડેટ્સ દ્વારા જાતે બનાવવામાં આવેલા અંદાજે 30,000 કાર્ડ્સના આ જથ્થાને પશ્ચિમ રેલવેના માધ્યમથી ઉધમપુર સ્થિત ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટર ખાતે પહોંચાડવા માટે ગુજરાત NCC નિદેશાલયના છત્ર હેઠળ NCC ગ્રૂપ હેડક્વાર્ટર્સ અમદાવાદના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર નીરવ રાયઝાદાએ વિધિવત રીતે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી 18 જુલાઇ 2021 ના રોજ અમદાવાદથી જમ્મુની ટ્રેન રવાના કર્યો હતો જે આગળ ઉધમપુર પહોંચાડવામાં આવશે. ઉધમપુર ખાતે કાર્ડ ભરેલા આ તમામ બોક્સને ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી UYSM, AVSM, VrC, SM વિધિવત રીતે મેળવશે. જનરલ ઓફિસર કારગિલ યુદ્ધ વખતે તત્કાલિન લેફ્ટેનન્ટ કર્નલ હતા અને દ્રાસમાં JAK RIFની 13મી બટાલિયનનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તેમના આ પરાક્રમ બદલ તેમને વીર ચક્ર શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ NCC કેડેટ્સ અને દેશના યુવાનો માટે, લેફ્ટેનન્ટ જનરલ વાય. કે. જોશી UYSM, AVSM, VrC, SM અનુકરણીય છે અને આ પરાક્રમથી દેશના યુવાનોને પહેલા NCCમાં અને ત્યારબાદ ભૂમિસેના, નૌસેના અને વાયુસેનામાં જોડાવાની પ્રેરણા મળશે.

21 થી 25 જુલાઇ 2021 દરમિયાન, અંદાજે 30,000 કાર્ડ્સ કારગિલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલા તમામ જવાનોને ગુજરાત રાજ્યના લોકો તરફથી કૃતજ્ઞતાની લાગણીના પ્રતિક રૂપે આપવામાં આવશે અને આ કાર્ય કારગિલ યુદ્ધ દરમિયાન સશસ્ત્ર દળોએ આપેલા યોગદાનને બિરદાવવા માટે ગુજરાતના NCC કેડેટ્સના માધ્યમથી ગુજરાત રાજ્યનું આ મોટું યોગદાન રહેશે. આ ઉપરાંત, આ બાબત રાજ્યના યુવાનો અને NCCના કેડેટ્સને ખાસ કરીને ખૂબ જ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય પ્રસંગે ખૂબ જ લાંબાગાળાની પ્રેરણા આપશે, તેમજ 1999માં કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા સૈનિકો અને રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવા માટે હાલમાં તૈનાત કરવામાં આવેલા સૈનિકો પ્રત્યે ગુજરાતના લોકો વતી આદરભાવ વ્યક્ત કરશે, ગુજરાતને કારગિલમાં તૈનાત જવાનો સાથે જોડાયેલું એક રાજ્ય બનાવશે, તેમજ સમગ્ર રાજ્યના યુવાનોને રાષ્ટ્ર નિર્માણના ભાગરૂપે સામાજિક સેવા તેમજ સામુદાયિક વિકાસની જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રેરણા આપશે.