રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા કરફયુના કડક અમલ અને કોરોના ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન વચ્ચે જ નીકાળવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કે ઘટાડો કરવામાં આવ્યો નથી અને રથયાત્રા તેના 19 કિ.મી લાંબા રૂટ પર પરંપરાગત રીતે જ નીકળશે પરંતુ રથયાત્રા દરમ્યાન સમગ્ર રૂટ પર કરફયુ રહેશે અને દર્શનાર્થીઓ રથની નજીક આવી દર્શન કરી શકશે નહી. લોકોએ કોરોના મહામારીને લઇ સાવચેતી અને સલામતીના ભાગરૂપે ઘેરબેઠા ટીવી ચેનલોના માધ્યમથી અને મોબાઇલ-સોશ્યલ મીડિયાના માધ્યમથી જ આ વખતે નીકળનારી રથયાત્રાના અને ભગવાનના દર્શન કરી લેવા જાહેર અનુરોધ કરવામાં આવે છે એમ અત્રે સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ ઝાએ અને ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે જ નીકળશે પરંતુ ભગવાનની જે પરંપરાગત અને શાસ્ત્રોકત વિધિ કે પૂજા છે દર વર્ષે કરાતી હોય છે, તેમાં કોઇ ફેરફાર કે બદલાવ કરાયો નથી. તે પરંપરાગત રીતે જ કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર કયાંય કોઇ જગ્યાએ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહી. પરંતુ નિજમંદિરમાં રથયાત્રા પરત ફર્યા બાદ ભગવાનના ત્રણેય રથ નિજમંદિરમાં આવી ગયા બાદ શ્રધ્ધાળુ ભકતોને જાંબુ, ફણગાવેલા મગનો પરંપરાગત પ્રસાદ વિતરણ કરવામાં આવશે. તમામ ભકતોને પ્રસાદનો લાભ મળી રહે તે હેતુથી ગુરૂપૂર્ણિમા સુધી મંદિર તરફથી પ્રસાદ વિતરણ ચાલુ રાખવામાં આવશે.